પ્લેન ઊડયું અને પુત્રને ક્રેશના સમાચાર મળ્યા પતિના અવસાન બાદ ભારતીબેનને પુત્રે યુકે બોલાવ્યાં હતાં | After her husband’s death Bharatiben was called to the UK by her son

![]()
વડોદરા, તા.11 અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં વડોદરા શહેર અને જિલ્લાના ૨૮ યાત્રીઓ મૃત્યુ પામ્યા હતાં જે પૈકી શહેરના માંજલપુર વિસ્તારના ૬૭ વર્ષના ભારતીબેન પતિના અવસાન બાદ પુત્રને મળવા માટે લંડન જતાં હતાં, પરંતુ પુત્ર સાથે મેળાપ થતા અગાઉ મોત ભેટી ગયું હતું.
માંજલપુર વિસ્તારમાં ગોકુળ આશિષ ડુપ્લેક્સમાં રહેતાં ભારતીબેન જશભાઇ પટેલના પુત્ર પ્રીતેશે જણાવ્યું હતું કે તે દિવસ અમો કદી ભૂલી શકીએ તેમ નથી. મારી માતાને એરપોર્ટ પરથી અંદર રવાના કર્યાં અને થોડી વારમાં જ પ્લેન ક્રેશના સમાચારે અમને આંચકો આપ્યો હતો. હવે તો માતાએ મારી તેમજ અન્ય પરિવારજનો સાથે પડાવેલો ફોટો છેલ્લી યાદગીરી બની રહી છે.
પ્રીતેશભાઇએ કહ્યું હતું કે અમો બે ભાઇઓ છે, એક ભાઇ નિલેશ યુકેમાં સ્થાયી થયો છે. મારી માતા એક વખત નિલેશને મળવા યુકે જઇ આવ્યાં છે પરંતુ મારા પિતાનું એક વર્ષ પહેલા મૃત્યુ થયું હોવાથી મારા ભાઇએ માતાને યુકે બોલાવતા તેઓ ફરીથી નિલેશ સાથે પાંચ-છ મહિના રહેવા માટે જઇ રહ્યાં હતાં.



