गुजरात

એડવાન્સ વેરા યોજના શરૂ થતાં જ સર્વર ઠપ્પ : વેરા પ્રોત્સાહક યોજનાના પ્રથમ દિવસે કરદાતાઓ હેરાન, ત્રણ કલાક સુધી સર્વર ડાઉન | Server crashes as soon as advance tax scheme starts in vadodara Corporation



Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમાં મૂકાયેલી એડવાન્સ વેરા પ્રોત્સાહક વળતર યોજના-2026-27ના પ્રથમ જ દિવસે સર્વર ડાઉન થતાં કરદાતાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વેરો ભરવા માટે શહેરની વિવિધ વોર્ડ કચેરીઓએ પહોંચેલા કરદાતાઓ લગભગ ત્રણ કલાક સુધી અટવાઈ ગયા હતા, જેના કારણે અનેક સ્થળોએ હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી.

મહાનગરપાલિકા દ્વારા રહેણાંક મિલકતો માટે 10 ટકા તથા બિન-રહેણાંક મિલકતો માટે પાંચ ટકા વળતર આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. ઉપરાંત ઓનલાઈન વેરો ભરનાર કરદાતાઓને એક ટકા વધારાનું વળતર પણ આપવામાં આવશે. તા. 10 જૂનથી 24 જુલાઈ સુધી અમલમાં રહેનારી આ યોજનાનો લાભ કુલ મિલકત વેરો તેમજ અગાઉની બાકી રકમ એડવાન્સમાં ભરપાઈ કરનાર કરદાતાઓને મળશે.

યોજનાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં કરદાતાઓ વેરો ભરવા માટે વોર્ડ નં. 1થી 19ની કચેરીઓએ પહોંચ્યા હતા. જોકે સર્વર અચાનક ઠપ્પ થઈ જતાં કામગીરી ખોરવાઈ ગઈ હતી. પરિણામે કરદાતાઓ લાંબા સમય સુધી રાહ જોવા મજબૂર બન્યા હતા. ખાસ કરીને સિનિયર સિટીઝનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કરદાતાઓએ આક્ષેપ કર્યો હતો કે સર્વર ક્યારે શરૂ થશે તે અંગે અધિકારીઓ તરફથી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવતો નથી. ત્રણ-ત્રણ કલાક સુધી રાહ જોવી પડી હોવાને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

કેટલાક કરદાતાઓએ જણાવ્યું હતું કે કામધંધા છોડીને વેરો ભરવા આવ્યા છીએ, પરંતુ સર્વર બંધ હોવાને કારણે સમય અને પેટ્રોલ બંનેનો વ્યય થઈ રહ્યો છે. ધક્કા ખાઈને આવવું પડે તો મળતું વળતર પણ નિરર્થક બની જાય છે.

બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઈટી વિભાગે જણાવ્યું હતું કે યોજનાના પ્રથમ દિવસે એકસાથે મોટી સંખ્યામાં લોકો દ્વારા સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતા સર્વર પર ભાર વધ્યો હતો અને તેના કારણે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. હાલ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button