ભાવનગર: પાલીતાણાના શેત્રુંજય પર્વત પર અનોખી ઘટના, પ્રવાસીની બેગ લઈને ભાગ્યો સિંહ! જાણો આખો મામલો | palitana lion snatches tourist bag shatrunjaya hill

![]()
Lion in Palitana: ભાવનગર જિલ્લાના વિશ્વવિખ્યાત જૈન તીર્થધામ પાલીતાણાના પવિત્ર શેત્રુંજય પર્વત પર ફરી એકવાર ડાલામથ્થો સિંહ ચઢી આવતા યાત્રિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓએ સિંહને સાવ નજીક જોતા ગભરાઈને ભાગદોડ મચાવી દીધી હતી, જેના કારણે અનેક લોકોએ સુરક્ષાના કારણોસર પોતાની ધાર્મિક યાત્રા અધવચ્ચે જ રોકી દીધી હતી. આ દરમિયાન સિંહ એક પ્રવાસીની કિંમતી સામાન ભરેલી બેગ મોઢામાં દબાવીને જંગલ તરફ ભાગી જતાં ભારે કુતૂહલ સાથે ચિંતા વ્યાપી હતી.
સિંહ બેગ લઈને ભાગી ગયો; યાત્રિકનો જીવ અધ્ધર થયો
મળતી માહિતી અનુસાર, શેત્રુંજય પર્વત પર જ્યારે યાત્રિકો યાત્રા કરી રહ્યા હતા ત્યારે અચાનક સિંહ સામે આવી ચડ્યો હતો. સિંહને જોઈને યાત્રિકોમાં દોડધામ મચી ગઈ હતી. આ દરમિયાન એક યાત્રિક પોતાનો સામાન મૂકીને ભાગ્યો હતો, ત્યારે સિંહ તે યાત્રિકની કિંમતી સામાનવાળી બેગ મોઢામાં ભરાવીને જંગલ તરફ રવાના થઈ ગયો હતો. બેગમાં મોંઘી અને મહત્ત્વની વસ્તુઓ હોવાને કારણે યાત્રિકનો જીવ ચિંતામાં મુકાયો હતો અને તેણે તાત્કાલિક વન વિભાગનો સંપર્ક સાધ્યો હતો.
આ પણ વાંચો: સુરત: સિંગણપોર વિસ્તારમાં ચા પીવા ગયેલા બે મિત્રોની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા
વન વિભાગનું જંગલમાં સર્ચ ઓપરેશન
ઘટનાની ગંભીરતા અને વિચિત્રતાને જોતા પાલીતાણા વન વિભાગની ટીમ અને ટ્રેકર્સની મદદ લઈને તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. વનકર્મીઓએ સિંહ જે દિશામાં ગયો હતો તે શેત્રુંજય પર્વતના જંગલ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ વન વિભાગની ટીમે જંગલના અંદરના ભાગમાંથી યાત્રિકની તે બેગ શોધી કાઢી હતી. સિંહે બેગને નુકસાન પહોંચાડ્યું નહોતું અને સદનસીબે બેગમાં રહેલો તમામ કિંમતી સામાન એકદમ સુરક્ષિત હાલતમાં મળી આવ્યો હતો. વન વિભાગે જરૂરી કાનૂની અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ કિંમતી બેગ તેના મૂળ માલિકને સોંપી દીધી હતી.
જો કે, પવિત્ર પર્વત પર સિંહની અવરજવરને પગલે વન વિભાગ હવે વધુ ઍલર્ટ બન્યું છે. યાત્રિકોની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર શેત્રુંજય પર્વત વિસ્તારમાં વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ અને વાઈલ્ડલાઈફ મોનિટરિંગ (વન્યજીવોની દેખરેખ) ખૂબ જ વધારી દેવામાં આવી છે.



