गुजरात

કુદરતની કેવી કરુણતા! વિસનગરમાં અકસ્માતનો ભોગ બનેલા યુવકને ફરી નડ્યો અકસ્માત, એમ્બ્યુલન્સને કારે ટક્કર મારતા મોત | Mehsana: Injured Youth Dies After Ambulance Is Hit by Wrong Side Car Near Visnagar



Ambulance Accident In Mehsana: મહેસાણા જિલ્લાના વિસનગર પાલડી ચોકડી પાસે શનિવારે (છઠ્ઠી જૂન) રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અગાઉના અકસ્માતની સારવાર બાદ તબિયત બગડતાં યુવકને વધુ સારવાર માટે મહેસાણા લઈ જઈ રહેલી ખાનગી એમ્બ્યુલન્સને રોંગ સાઈડથી આવતી એક બેફામ કારે સામેથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતની દુર્ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર વડનગર તાલુકાના શોભાસણ ગામના 26 વર્ષીય યુવક વિજયકુમાર ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મૃતકના પિતા, ભાઈ અને એમ્બ્યુલન્સ ચાલકને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

અગાઉ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકની તબિયત બગડતાં મહેસાણા ખસેડાતો હતો

મળતી વિગતો અનુસાર, મૃતક વિજયકુમાર ઠાકોરને ગત 21મી મેના રોજ અકસ્માત નડ્યો હતો. જેની મહેસાણાની હોસ્પિટલમાં સારવાર કરાવીને તેઓ થોડા દિવસો પહેલાં જ ઘરે પરત ફર્યા હતા. શનિવારની રાત્રે વિજયકુમારની તબિયત અચાનક વધુ બગડી હતી. જેથી પિતા વસંતજી વિઠાજી ઠાકોર અને મોટા ભાઈ પ્રકાશજી તેમને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. વડનગર સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ, વિજયકુમારની ગંભીર સ્થિતિને જોતા ડોક્ટરોએ તેમને વધુ સારવાર માટે મહેસાણા હોસ્પિટલ ખસેડવા જણાવ્યું હતું. જેથી પરિવારે ખાનગી એમ્બ્યુલન્સ ભાડે કરી હતી.

આ પણ વાંચો: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે લોહીલુહાણ, ત્રિપલ અકસ્માતમાં કારનો બુકડો બોલાયો, 4 લોકોના મોત

વિસનગર કાંસા ચોકડી પાસે કાળ બનીને આવી કાર 

એમ્બ્યુલન્સ ચાલક અંકિતજી રમતુજી ઠાકોર દર્દી વિજયકુમાર અને તેમના પરિવારને લઈને મહેસાણા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન વિસનગર પાલડી ચોકડી પાસે કાંસા ચોકડી તરફથી રોંગ સાઈડમાં પૂર ઝડપે આવતી એક કારે એમ્બ્યુલન્સને જોરદાર ઠોકર મારી હતી. આ  અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સૂતેલા દર્દી વિજયકુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. જ્યારે ગાડીમાં સવાર તેમના પિતા, ભાઈ અને ચાલક ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જ્યા બાદ કારનો ચાલક પોલીસ પકડથી બચવા માટે પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.

બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. અગાઉ અકસ્માતમાંથી માંડ બચેલા વિજયકુમારને કુદરતે બીજા અકસ્માતમાં છીનવી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અકસ્માતને કારણે મૃતક વિજયજીના બે માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે, જેને પગલે સમગ્ર શોભાસણ ગામમાં હિબકા અને ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. વિસનગર શહેર પોલીસે મૃતકના પિતા વસંતજી ઠાકોરની ફરિયાદના આધારે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.



Source link

Related Articles

Back to top button