गुजरात

છોટા ઉદેપુર: સૌરાષ્ટ્ર તરફ મજૂરોની જોખમી હેરાફેરી, ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરેલી 5 ગાડીઓ પોલીસે ઝડપી પાડી | chhota udepur police seize overloaded vehicles carrying laborers



Police Seize Overloaded Vehicles In Chhota Udepur: રોજીરોટી માટે આદિવાસી વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર તરફ જતાં શ્રમિકોના જીવ સાથે ખીલવાડ કરતાં વાહનચાલકો સામે છોટાઉદેપુર પોલીસે લાલ આંખ કરી છે. કાયદાના લીરેલીરા ઉડાવીને ઓવરલોડ મુસાફરો ભરીને જતી 5 ગાડીઓને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના આ આકરા એક્શન બાદ ગેરકાયદેસર અને જોખમી રીતે મુસાફરોની હેરાફેરી કરતાં તત્ત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

એક જ ગાડીમાં 25થી 30 મુસાફરો: છત પર બાઇક અને સામાનના પોટલા

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર પોલીસને બાતમી મળી હતી કે કેટલાક વાહનચાલકો મુસાફરોના જીવ જોખમમાં મૂકીને ક્ષમતા કરતાં અનેક ગણાં વધુ માણસો ભરીને સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યા છે. પોલીસે વોચ ગોઠવીને 4 મોટી જીપ અને 1 કાર મળીને કુલ 5 વાહનોને ઝડપી પાડ્યા હતા.

જ્યારે પોલીસે આ વાહનોને રોક્યા ત્યારે અંદરનો નજારો ચોંકાવનારો હતો. એક-એક વાહનમાં 25થી 30 જેટલા મુસાફરોને ઠસોઠસ ભરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, વાહનોની છત પર બાઇકો, સામાનના મોટા-મોટા પોટલા અને તેની ઉપર પણ મુસાફરોને બેસાડીને અત્યંત જોખમી રીતે મુસાફરી કરાવવામાં આવી રહી હતી.

ખેતમજૂરી માટે શ્રમિકોને લઈ જવાતા હતા

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ તમામ મુસાફરો આદિવાસી વિસ્તારના ગરીબ શ્રમિકો છે, જેમને ખેતમજૂરી અર્થે સૌરાષ્ટ્ર તરફ લઈ જવામાં આવી રહ્યા હતા. વધુ કમાણી કરવાની લાલચમાં વાહનચાલકો શ્રમિકોના જીવને જોખમમાં મૂકી હાઇવે પર મોતની સવારી દોડાવી રહ્યા હતા. કોઈપણ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તેવા સવાલો પણ આ ઘટના પરથી ઊભા થયા છે.

આ પણ વાંચો: નસવાડીમાં તલાટી અને TDO સામસામે: તલાટી પ્રમુખની બદલીથી વિવાદ, લાંચના આક્ષેપોથી રાજકારણ ગરમાયું

પોલીસે પાંચેય વાહનો ડિટેઇન કર્યા

કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં જ છોટાઉદેપુર પોલીસે સતર્કતા દાખવી આ પાંચેય ઓવરલોડ વાહનોને ડિટેઇન કરી લીધા છે અને ચાલકો સામે ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, હાઈવે પર મુસાફરોના જીવ સાથે રમત રમતા આવા વાહનચાલકો સામે આગામી દિવસોમાં પણ ડ્રાઇવ ચલાવીને કડક પગલાં લેવામાં આવશે.



Source link

Related Articles

Back to top button