दुनिया

પાકિસ્તાને કર્યું મસ્જિદનું લોકાર્પણ તો ભડક્યું જાપાન! ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવાની તૈયારી? | pakistani ambassador inaugurates illegal mosque in japan kawagoe administration outraged



Japan Illegal Mosque: જાપાનના સાયતામા પ્રાંતના કાવાગોએ શહેરમાં કાનૂની મંજૂરી વિના એક મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનો વિવાદ સામે આવ્યો છે. આ મામલે જાપાન સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર ભારે નારાજ હોવાના અહેવાલો છે. વિવાદ એટલા માટે વધુ વકર્યો છે કારણ કે આ વર્ષની શરૂઆતમાં જાપાનમાં પાકિસ્તાનના રાજદૂત અબ્દુલ હમીદ પોતે આ મસ્જિદના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. જાપાની મીડિયામાં આ અંગે તીખા અહેવાલો આવ્યા બાદ, પાકિસ્તાની દૂતાવાસે આ પ્રોજેક્ટથી પોતાને સંપૂર્ણપણે અલગ કરી દીધું છે.

શહેરી પ્રશાસનના જણાવ્યા અનુસાર, મસ્જિદનું નિર્માણ સ્થાનિક કાયદાઓનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું હોવાથી આ ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવે એટલે કે બુલડોઝર ચલાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ફોરેસ્ટ લૅન્ડ પર મંજૂરી વગર ઊભી કરી દીધી મસ્જિદ

જાપાનના પ્રતિષ્ઠિત અખબાર ‘દ આસાહી શિમ્બુન’ના અહેવાલ મુજબ, આ મસ્જિદ આશરે 4,500 ચોરસ મીટરના એક એવા પ્લોટ પર બનાવવામાં આવી છે જેને સરકારી રેકોર્ડમાં પર્વતીય વનજમીન તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ વિસ્તાર ‘શહેરીકરણ નિયંત્રણ ક્ષેત્ર’ હેઠળ આવે છે. જાપાનના કાયદા મુજબ આ ઝોનમાં સ્થાનિક સત્તાધીશોની વિશેષ પરવાનગી વિના કોઈપણ પ્રકારનું પાકું બાંધકામ કરવું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.

શહેર પ્રશાસન અને પાકિસ્તાની નાગરિકો દ્વારા જ વિરોધ

કાવાગોએ શહેરના અધિકારીઓએ સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે, “આ મસ્જિદનું નિર્માણ સિટી પ્લાનિંગ ઍક્ટ હેઠળ વિશેષ મંજૂરી મેળવ્યા વિના કરવામાં આવ્યું છે. સંબંધિત ઇમારતનું નિર્માણ સંપૂર્ણપણે ગેરકાયદે છે.”

સરકારી દસ્તાવેજો દર્શાવે છે કે આ જમીનની માલિકી March 2025માં ફુજીમી સ્થિત એક રિયલ એસ્ટેટ કંપની પાસેથી બદલાઈને કાવાગોએની એક ફર્મ પાસે ગઈ હતી. આ વિવાદ અંગે જાપાનમાં રહેતા અને યાશિયો મસ્જિદનું પ્રતિનિધિત્વ કરતાં 62 વર્ષીય પાકિસ્તાની નાગરિક શકીલ શેખ મોહમ્મદે પણ આ ગેરકાયદે પ્રોજેક્ટની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે, જો તેઓ મંજૂરી વગર મસ્જિદ બનાવી રહ્યા છે તો તે કાયદાની દૃષ્ટિએ બિલકુલ યોગ્ય નથી. સ્થાનિક જાપાની લોકો સાથે સારા સંબંધો બાંધીને જ ધાર્મિક સ્થળો માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરી શકાય, કાયદો તોડીને નહીં.

પાકિસ્તાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર આપી સ્પષ્ટતા

મામલો વણસતા જાપાન સ્થિત પાકિસ્તાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સત્તાવાર નિવેદન જાહેર કરીને પોતાના નાગરિકોને સ્થાનિક કાયદાનું પાલન કરવા કડક સલાહ આપી છે. દૂતાવાસે પોતાના સમુદાયને અપીલ કરી છે કે તેઓ આ મામલે જાપાની અધિકારીઓ સાથે સંપૂર્ણ સહકાર આપે.

રાજદૂતે ઉદ્ઘાટન કેમ કર્યું?

31 મેના રોજ જાહેર કરાયેલા એક અલગ સ્પષ્ટતા પત્રમાં દૂતાવાસે જણાવ્યું કે, પાકિસ્તાની રાજદૂત અબ્દુલ હમીદે 3 April 2026ના રોજ કાવાગોએમાં આયોજિત આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. પરંતુ તેમણે આ આમંત્રણ માત્ર એટલા માટે સ્વીકાર્યું હતું કારણ કે આયોજકોએ તેમને ખોટી ખાતરી આપી હતી કે સ્થાનિક સરકાર પાસેથી તમામ જરૂરી કાનૂની મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. દૂતાવાસે સ્પષ્ટ કર્યું કે તેઓ એવા કોઈપણ પ્રોજેક્ટને સમર્થન આપતા નથી જે જાપાનના કાયદાનું ઉલ્લંઘન કરતું હોય.



Source link

Related Articles

Back to top button