મચ્છરોનો ત્રાસ ઘટાડવા માટે ગૂગલ 3.2 કરોડ મચ્છરોને મિશન સોંપશે ! | Google will assign a mission to 32 crore mosquitoes to reduce mosquito infestation

![]()
– લોઢું લોઢાને કાપે તેવી યોજના : પર્યાવરણ પર આડઅસર નહીં
– લેબમાં જીવાણુથી સંક્રમિત કરેલા મચ્છરો ત્રાસ વર્તાવતા મચ્છરો સાથે સંપર્કમાં આવીને તેનો ખાતમો બોલાવશે
વૉશિંગ્ટન : ગૂગલે દુનિયાને મચ્છરોના ત્રાસથી મુક્ત કરાવવા માટે એક ખાસ પ્રકારનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. એ પ્રોજેક્ટ અનોખો એટલા માટે છે કે એમાં લોઢું લોઢાને કાપે એવી યોજના અમલી બનશે. લેબોરેટરીમાં મચ્છરોને ખાસ જીવાણુથી સંક્રમિત કરવામાં આવશે અને પછી તેને અન્ય મચ્છરો સાથે ભેળવી દેવામાં આવશે. તેનાથી પ્રોસેસ થયેલા મચ્છરો ત્રાસ વર્તાવતા મચ્છરોની પ્રજાતિના સંપર્કમાં આવશે અને તેનો ખાતમો બોલાવશે.
અમેરિકાના ફ્લોરિડા અને કેલિફોર્નિયા રાજ્યમાં ગૂગલના મચ્છરોને છોડવામાં આવશે. બે વર્ષના સમયગાળામાં જુદા જુદા તબક્કામાં કુલ ૩.૨ કરોડ કૃત્રિમ પદ્ધતિથી ફેરફાર કરેલા મચ્છરોને હવામાં છોડી દેવામાં આવશે. એ માટે ગૂગલે સરકારની પરવાનગી માંગી છે. ગૂગલે ઘણાં સમય પહેલાં જ આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને હવે એને લાગુ પાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
ગૂગલે મચ્છરોને ખાસ પ્રકારના જીવાણુથી સંક્રમિત કર્યા છે. સંક્રમણ ફેલાવતા મચ્છરો સાથે આ મચ્છરો સંપર્કમાં આવશે ત્યારે તેનાથી મચ્છરોની વસતિ ઘટી જશે. આ પ્રોજેક્ટ પાછળ મૂળ ઈરાદો એવો છે કે રોગ ફેલાવતા મચ્છરોની પ્રજનન ક્ષમતાને ખોરવી દઈને તેની સંખ્યા ઘટાડી દેવી. લેબમાં સંક્રમિત થયેલા મચ્છરો ત્રાસ વર્તાવતી પ્રજાતિની માદા મચ્છર સાથે પ્રજનન કરશે પછી વસતિ વધતી અટકી જશે. એના ઈંડામાંથી મચ્છરો પેદા જ નહીં ને જો થશે તો એની સંક્રમણની ક્ષમતા બેહદ ઘટી જશે.
આ પ્રયોગથી પર્યાવરણને કે ઈકોસિસ્ટમને કોઈ આડઅસર થવાની નથી. આ પ્રકારના મચ્છરોને હવામાં છોડી દેવાથી ફાયદો થશે. નુકસાન થાય એવી શક્યતા બિલકુલ નથી એવું ગૂગલના સંશોધકોએ કહ્યું હતું. ગૂગલે એવી આશા વ્યક્ત કરી હતી કે ફ્લોરિડા અને કેલિફોર્નિયામાં મચ્છરોના કારણે દર વર્ષે બીમારી ફેલાય છે. બે વર્ષમાં એ સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થઈ જશે. આખા વિસ્તારમાં મચ્છરની વસતિ ઘટી જશે પછી આ પ્રયોગ અન્ય દેશો માટે પણ ઉપયોગી થઈ શકશે. સંશોધકોએ કહ્યું હતું કે આવા રાજ્યોમાં ગરમી અને વાતાવરણમાં ભેજ હોવાથી મચ્છરોનો ત્રાસ વધ્યો છે. રાસાયણિક દવાઓ અને એ પ્રકારના બધા ઉપાયો અસરકારક રહ્યા નથી. મચ્છરો એમાંથી પણ બચી જાય છે. એક્સપેરિમેન્ટ બાયોલોજી જર્નલમાં છપાયેલા અહેવાલ પ્રમાણે હવે મચ્છરો એને અનુકૂળ બની ચૂક્યા હોવાથી આ નવા પ્રયોગથી ફાયદો મળી શકે તેમ છે. ગૂગલના આ પ્રોજેક્ટને અમેરિકાની પર્યાવરણ સંરક્ષણ એજન્સી ઈપીએએ માન્યતા આપી ન હતી. પર્યાવરણને લગતા વિવિધ ડેટાનું આકલન ચાલી રહ્યું છે. ગૂગલે નવેસરથી પ્રોજેક્ટની મંજૂરી માટે અરજી કરી છે.



