વેનેઝુએલામાં બેક ટુ બેક 7.1 અને 7.5 ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપ, ઇમારતો ધરાશાયી, ઈમરજન્સી જાહેર | Venezuela Earthquake Update 25 June 2026: Two Powerful Earthquakes

![]()
Venezuela Earthquake: દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં બુધવારે સાંજે કુદરતે ભારે કહેર વર્તાવ્યો છે. અહીં માત્ર થોડી જ મિનિટોના અંતરાલમાં એકપછી એક એમ બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ એટલો પ્રચંડ હતો કે રાજધાની કરાકસ (Caracas) સહિત દેશના અનેક રાજ્યો ધ્રુજી ઉઠ્યા હતા. આ આફતને કારણે કરાકસમાં અનેક રહેણાંક મકાનો અને બહુમાળી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે, જેના કારણે ચારેકોર ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ સાથે દેશમાં રાષ્ટ્રપતિ દ્વારા ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.
મિનિટોમાં આવ્યા બે જોરદાર આંચકા, યુએસએ જારી કર્યું સુનામી એલર્ટ
અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS) ના સત્તાવાર ડેટા અનુસાર, વેનેઝુએલામાં બેક-ટુ-બેક બે શક્તિશાળી ભૂકંપ નોંધાયા છે:
પ્રથમ આંચકો: સાંજે આવેલા પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ વેનેઝુએલાના કેરેબિયન દરિયાકાંઠાના મોરોન શહેર પાસે, રાજધાની કરાકસથી આશરે 168 કિલોમીટર દૂર અને જમીનથી 13 કિલોમીટરની ઊંડાઈએ હતું.
બીજો આંચકો: પ્રથમ આંચકાની થોડી જ મિનિટો બાદ તેનાથી પણ વધુ તીવ્ર એટલે કે 7.5 ની ક્ષમતાનો બીજો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર મોરોનથી 16 કિલોમીટર દૂર અને 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.
આ પ્રચંડ ધરતીકંપ બાદ અમેરિકાના પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે દરિયાઈ મોજા ઉછળવાની આશંકાને પગલે પ્યુર્ટો રિકો અને વર્જિન આઇલેન્ડ્સ માટે સુનામીની ચેતવણી (Tsunami Warning) જારી કરી દીધી છે.
કાટમાળના ઢગલા અને ધૂળની ડમરીઓ, લોકો ઘર છોડી રસ્તા પર દોડ્યા
ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા જ લોકો જીવ બચાવવા માટે ઇમારતોમાંથી બહાર ખુલ્લા મેદાન અને રસ્તાઓ તરફ ભાગ્યા હતા. લોકો પોતાની નજર સામે જ દીવાલો ધરાશાયી થતી અને ઘરનો સામાન રસ્તાઓ પર વેરવિખેર થતો જોઈને આઘાતમાં સરી પડ્યા હતા. કૅરાકસના બે મુખ્ય વ્યાપારી વિસ્તારો, જ્યાં સામાન્ય રીતે રેસ્ટોરાં અને દુકાનોમાં ભારે ભીડ હોય છે, ત્યાં ઇમારતો ધરાશાયી થવાને કારણે આકાશમાં ધૂળના વિશાળ ગિન્નારો (ગુબાર) ઉડતા જોવા મળ્યા હતા.
ગૃહમંત્રીની લોકોને અપીલ: આફ્ટરશોકના ડરથી હજુ પણ લોકો ઘરની બહાર
વેનેઝુએલાના ગૃહમંત્રી ડિયોસ્ડાડો કાબેયોએ જણાવ્યું હતું કે કરાકસના અલ્તામીરા (Altamira) વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે, જ્યાં સૌથી વધુ મકાનો અને બિલ્ડિંગો તૂટી પડ્યા છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ અત્યારે ભૂલથી પણ ઘરોની અંદર ન જાય, કારણ કે સતત આવી રહેલા ‘આફ્ટરશોક્સ’ (Aftershocks) ના કારણે નબળી પડેલી ઇમારતો ગમે ત્યારે પડી શકે છે.
આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ગૃહમંત્રીએ ટીવી પર સંબોધન કરતા વાહનચાલકોને વિનંતી કરી છે કે તેઓ એમ્બ્યુલન્સ અને રાહત સામગ્રી લઈ જતા વાહનોને પ્રાથમિકતાના ધોરણે રસ્તો આપે. પ્રશાસન નિયમોનુસાર બચાવ કામગીરી કરી રહ્યું છે અને ખાસ કરીને બાળકો તેમજ વૃદ્ધોની વિશેષ સંભાળ રાખવા અને કોઈ પરિવાર મદદ વિના ન રહી જાય તે માટે એકબીજાના સંપર્કમાં રહેવા તાકીદ કરવામાં આવી છે.



