गुजरात

VIDEO: જામનગર જી.જી. હોસ્પિટલમાં રખડતા કૂતરાઓનું ‘રાજ’, સુરક્ષા ગાર્ડ શોભાના ગાંઠિયા સમાન | Jamnagar government GG Hospital Stray dogs harassing Patient and relatives are worried



Jamnagar GG Hospital Stray dogs: જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો જતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. હોસ્પિટલના પાર્કિંગ વિસ્તાર, લોબીઓ, કોરિડોર તેમજ કેટલાક વોર્ડની આસપાસ પણ સંખ્યાબંધ કૂતરાઓ બેફામ રીતે આંટાફેરા મારતા જોવા મળતા હોવાથી દર્દીઓ અને તેમના સગાસંબંધીઓમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે.

લોબીમાં સૂતા દર્દી અને સગાઓ વચ્ચે કૂતરાઓનો વિહાર

હોસ્પિટલમાં સારવાર માટે આવતા અનેક દર્દીઓના સગાઓ રાત્રિના સમયે લોબી અને ખુલ્લા વિસ્તારોમાં આરામ કરતા હોય છે. આવી સ્થિતિમાં તેમની આસપાસ કૂતરાઓ ફરતા જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં દર્દી કે તેમના સગાઓની ખાણી-પીણીની વસ્તુઓ તથા અન્ય સામાન કૂતરાઓ ખેંચી જતા હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે.

સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા સામે પ્રશ્નચિહ્ન

હોસ્પિટલ પરિસરમાં રખડતા કૂતરાઓની સતત હાજરીને કારણે સુરક્ષા વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. દર્દીઓ અને મુલાકાતીઓના જણાવ્યા મુજબ હોસ્પિટલના વિવિધ વિસ્તારોમાં સુરક્ષા કર્મચારીઓની અસરકારક દેખરેખનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ પરથી આવતા કૂતરાઓ સરળતાથી હોસ્પિટલ પરિસરમાં પ્રવેશી જાય છે.

વોર્ડ સુધી પહોંચતા કૂતરાઓથી ચિંતાનો માહોલ

હોસ્પિટલના કેટલાક વિભાગો અને વોર્ડની આસપાસ પણ કૂતરાઓ જોવા મળતા હોવાથી દર્દીઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને વૃદ્ધ દર્દીઓ, બાળકો અને ગંભીર દર્દીઓ માટે આ સ્થિતિ જોખમરૂપ બની શકે તેવી આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચો: માત્ર 9 કરોડનો ખર્ચ, 1400 કરોડની કમાણી! યુટ્યુબરે બનાવેલી આ હોરર ફિલ્મે હોલિવૂડ હંફાવ્યું

તાત્કાલિક કાર્યવાહી કરવાની ઉઠી માંગ

દર્દીઓ, તેમના સગાસંબંધીઓ અને હોસ્પિટલમાં આવતા નાગરિકોમાંથી હોસ્પિટલ તંત્ર સમક્ષ રખડતા કૂતરાઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠી રહી છે. હોસ્પિટલ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવી, રખડતા કૂતરાઓને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવી તેમજ દર્દીઓ માટે સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ સુનિશ્ચિત થાય તે જરૂરી છે.





Source link

Related Articles

Back to top button