હવામાન વિભાગનું 4 દિવસનું એલર્ટ, જાણો કયાં રાજ્યોમાં કઈ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ | IMD Monsoon Alert: Heavy Rain Forecast For Gujarat And 20 States Till June 5

![]()
IMD Monsoon Alert : હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ દેશભરમાં ચોમાસાની પ્રગતિ માટે સાનુકૂળ સંજોગો સર્જાયા છે, જેના કારણે આગામી 1 થી 2 દિવસમાં કેરળમાં વિધિવત ચોમાસું બેસી જશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને હાલ તે અરબી સમુદ્રના દક્ષિણ ભાગ, લક્ષદ્વીપ અને બંગાળની ખાડીના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ચૂક્યું છે. આગામી 2 થી 5 દિવસમાં તે કેરળ અને તમિલનાડુમાં એન્ટ્રી કરે તેવા એકદમ સાનુકૂળ સંજોગો વચ્ચે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે.
ગુજરાતમાં ત્રણ દિવસનું એલર્ટ
બે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાથી 2થી 4 જૂન દરમિયાન વાતાવરણ બદલાશે અને તાપમાન 4 ડિગ્રી સુધી ગગડશે. આજે 6 જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. 2 જૂને દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાય સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદનું યલો એલર્ટ રહેશે. 3 જૂને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સાથે યલો એલર્ટ લાગુ પડશે. 4 જૂને મધ્ય-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રાહત રહેશે, પરંતુ સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ ચાલુ રહેશે.
આ પણ વાંચો : ભારત-ઓમાન વચ્ચે CEPA લાગુ: 99 ટકા સામાન પર ઝીરો ડ્યુટી! જાણો કોને કોને મળશે લાભ
દેશના અનેક રાજ્યોમાં 5 જૂન સુધી એલર્ટ
- કેરળ અને તમિલનાડુ : આગામી 2થી 5 દિવસમાં ચોમાસાનું આગમન થશે. આગામી 1થી 2 દિવસમાં કેરળમાં ચોમાસું વિધિવત શરૂ થવાની પ્રબળ સંભાવના છે.
- ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન : પશ્ચિમી વિક્ષોભના કારણે આ રાજ્યોમાં તેજ પવન, ગાજવીજ, વરસાદ અને કરા પડવાની સંભાવના છે. પવનની ગતિ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. 3થી 5 જૂન દરમિયાન અહીં ફરી આંધી-વરસાદ અને ઓલાવૃષ્ટિની શક્યતા છે.
- જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ : નવા પશ્ચિમી વિક્ષોભની અસરથી 3થી 5 જૂન વચ્ચે પહાડી વિસ્તારોમાં આંધી, વરસાદ અને કરા પડી શકે છે.
- પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા : ચક્રવાતી પરિસંચરણના કારણે આ રાજ્યોમાં 40થી 70 કિલોમીટર અને પવનની ગતિ વધીને 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવા સાથે ભારે પવન અને વરસાદની આશંકા છે.
- અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા : દક્ષિણ અસમ પર સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે તમામ પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
- મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર વિદર્ભ : મધ્ય પ્રદેશ પર બનેલી સિસ્ટમના કારણે આ ત્રણેય વિસ્તારોમાં આંધી-વરસાદની શક્યતા છે.



