મોરબી-કચ્છ હાઈવે પર દર્દનાક અકસ્માત, માતાના મઢથી દર્શન કરી પરત ફરતા કારનું ટાયર ફાટ્યું, બે બાળકો સહિત 4ના મોત | morbi kutch highway accident diu family members died maliya haripar

![]()
Morbi Kutch Highway Accident: મોરબી-કચ્છ હાઈવે પર માળિયા (મીયાણા)ના હરિપર ગામ પાસે કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. મૂળ ગીર સોમનાથના અને હાલ દીવમાં સ્થાયી થયેલા કાપડિયા પરિવારના સભ્યો કચ્છમાં માતાના મઢે મા આશાપુરાના દર્શન કરીને ખુશી-ખુશી ઘરે પાછા ફરી રહ્યા હતા. આ આનંદની પળો શોકમાં ફેરવાઈ ગઈ જ્યારે તેમની ઈકો કારનું ટાયર અચાનક ફાટ્યું હતું. ટાયર ફાટતા જ ચાલકે સ્ટીયરીંગ પરથી નિયંત્રણ ગુમાવ્યું અને કાર ડિવાઈડર ટપીને સામેની લેનમાંથી પૂરપાટ ઝડપે આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માતની ભયાનકતા અને સ્થાનિકોની દોડધામ
આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ઈકો કારનો કુરચો બોલી ગયો હતો અને ગાડીના ફુરચેફુરચા ઊડી ગયા હતા. કારમાં સવાર કુલ 6 લોકોમાંથી ચાર વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જેમાં બે માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતનો ભયાનક અવાજ સાંભળીને આજુબાજુના ગ્રામજનો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
મૃતકોમાં ડ્રાઈવર, વૃદ્ધા અને માસૂમ બાળક સામેલ
આ ગોઝારા અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં કાર ચાલક ભરતકુમાર વીરજીભાઈ બાંભણિયા (ઉં.વ. 40), કંચનબેન વિરજીભાઈ બાંભણિયા (ઉં.વ. 60), મનોજ લક્ષ્મણભાઈ કાપડિયા (ઉં.વ. 50) અને માત્ર 7 વર્ષના માસૂમ બાળક જીવાંશુ મનોજ કાપડિયાનો સમાવેશ થાય છે. આ હસતા-રમતા પરિવાર પર તૂટી પડેલા કાળના પંજાથી દીવ અને ગીર સોમનાથ પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.
માતા-પુત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા જાગૃતિબેન મનોજભાઈ કાપડિયા (ઉં.વ. 35) અને તેમની 12 વર્ષની દીકરી વૈદર્શીને ગંભીર હાલતમાં નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, ચારેય મૃતદેહને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા માટે માળિયાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
પોલીસે ટ્રાફિક હળવો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ઘટનાની ગંભીરતાને જોતા માળિયા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ક્રેન બોલાવીને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવ્યા હતા અને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. હાલમાં પોલીસે આ મામલે અકસ્માતે ગુનો નોંધીને તપાસ આદરી છે.


