मनोरंजन

30 વર્ષ બાદ એકટિંગમાં કમબેક કરશે બોલિવૂડની ‘દામિની’! USથી મુંબઈ પરત ફરીને આપ્યો ભાવુક મેસેજ | Actress Meenakshi Seshadri Announces Bollywood Comeback Moves Back to Mumbai After 30 Years



Meenakshi Seshadri Comeback : ‘હીરો’, ‘દામિની’ અને ‘ઘાતક’ જેવી શાનદાર ફિલ્મોના સહારે દર્શકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી આશરે ૩૦ વર્ષ બાદ સિનેમાના પડદે પાછી ફરવાની તૈયારી કરી રહી છે. લાંબા સમય બાદ કમબેક કરી રહેલી અભિનેત્રીએ જણાવ્યું કે, “રોલ ભલે લીડ હોય, સપોર્ટિંગ હોય કે પછી નાનો હોય, હું એવા પાત્રો ભજવવા માંગુ છું જે મને એક કલાકાર તરીકે પડકાર આપે.” 80 અને 90ના દાયકાની સુપરહિટ એક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રી ફરી એકવાર ફિલ્મી પડદે એક્ટિંગ કરવા માટે સંપૂર્ણ રીતે ગંભીર નજરે પડી રહી છે. વર્ષ 2016માં આવેલી ફિલ્મ ‘ઘાયલ વન્સ અગેન’માં ભજવેલા એક નાના રોલને બાદ કરીએ તો, મીનાક્ષી વર્ષોથી ફિલ્મોની દુનિયાથી દૂર રહી છે. જોકે, હવે તેને સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે એક ઈમોશનલ મેસેજ શેર કરીને જણાવ્યું છે કે હું ફિલ્મો અને ઓટીટી (OTT) પ્રોજેક્ટ્સમાં કામ કરવા માટે નવી તકો શોધી રહી છું. આ સાથે જ સોમવારે તેમણે સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મ મેકર્સ સાથે કામ કરવાની ઈચ્છા પણ જાહેર કરી છે.

’30 વર્ષ લાંબી સફર બાદ હું મારી કર્મભૂમિ મુંબઈ પાછી આવી ગઈ છું’

અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને ભાવુક સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેને કહ્યું કે “તમારા બધાના પ્રેમ, પ્રોત્સાહન અને સતત મળી રહેલા સપોર્ટ માટે હું દિલથી આભાર માનું છું. ૩૦ વર્ષની લાંબી સફર બાદ હું મારી કર્મભૂમિ મુંબઈ પાછી ફરી છું. એકવાર ફરીથી, પૂરી આશા, જુસ્સા અને પોઝિટિવ વિચાર સાથે હું મનોરંજનની દુનિયામાં પગ મૂકી રહી છું.” મીનાક્ષીના આ વીડિયો પર ફેન્સે ભારે ખુશી વ્યક્ત કરી છે, અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં તેમના ભવ્ય સ્વાગત માટે સોશિયલ મીડિયા પર વધામણી આપી રહ્યા છે.

આ પણ વાંચો : રણવીર સિંહ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રતિબંધ: ડોન-3 વિવાદમાં ફરહાન અખ્તરની ફરિયાદ બાદ FWICEની જાહેરાત

‘મને એવો રોલ જોઈએ જે મને કલાકાર તરીકે ચેલેન્જ કરે’

અભિનેત્રીએ વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે તે હાલ સારા અને અર્થપૂર્ણ કામની રાહ જોઈ રહી છે. પાત્રોની પસંદગી અંગે જણાવ્યું કે, મારી “મુખ્ય ભૂમિકા હોય, સપોર્ટિંગ રોલ હોય કે પછી કોઈ નાનો રોલ, મારા માટે સૌથી મહત્વનું એ છે કે તે પાત્ર પ્રભાવશાળી હોવું જોઈએ. ફિલ્મો હોય કે OTT શો, હું એવા કિરદાર નિભાવવા માંગુ છું જે મને એક કલાકાર તરીકે ચેલેન્જ આપે.” તેમણે એ પણ ખુલાસો કર્યો કે તેની પાસે ઘણા રોલ માટેની ઓફર્સ આવી હતી, પરંતુ તેમાં કંઈ ખાસ દમ નહોતો અથવા વાત આગળ વધી શકી નહોતી. ખાસ વાત એ છે કે તે હાલ કોઈ પીઆર (PR) કે ટેલેન્ટ એજન્સી વગર પોતાના દમ પર જ કામના નવા રસ્તા શોધી રહી છે. મીનાક્ષી હાલ ભારતમાં સ્થાયી થઈ છે, પરંતુ તે પોતાના પરિવાર સાથે રજાઓ વિતાવવા અવારનવાર અમેરિકા પણ જતી રહે છે.

અમેરિકામાં ચલાવતી હતી પોતાની ડાન્સ સ્કૂલ

તમને જણાવી દઈએ કે મીનાક્ષી શેષાદ્રી લગ્ન બાદ પોતાના પતિ હરીશ મૈસૂર સાથે લાંબા સમયથી અમેરિકાના ડલાસ (ટેક્સાસ)માં રહેતી હતી. મીનાક્ષી ત્યાં પોતાની એક ડાન્સ સ્કૂલ પણ ચલાવતી હતી. તેમને વર્ષ  1981માં માત્ર 17 વર્ષની ઉંમરે ‘મિસ ઈન્ડિયા’નો ખિતાબ મળ્યો હતો. મીનાક્ષીને બે બાળકો છે જેમાં પુત્રી કેન્દ્ર અને પુત્ર જોશ છે. બોલિવૂડમાં પોતાની દમદાર એક્ટિંગથી ઓળખ બનાવનારી મીનાક્ષીના કમબેકથી તેના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : સલમાનની માતૃભૂમિ પછી ગલવાન યુદ્ધ અંગેની બીજી ફિલ્મ પણ અટવાઈ



Source link

Related Articles

Back to top button