મ્યૂલ બેંક એકાઉન્ટમાં રૂપિયા ૬૩૨ કરોડની હેરફેર કરનાર ગેંગ ઝડપાઇ | state cyber crime nabbed 13 accused from in myul account cases of Gujarat

અમદાવાદ,શનિવાર
વિદેશમાં રહેલી સાયબર ગેંગ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીના નાણાં હેરફેર માટે મ્યૂલ બેંક એકાઉન્ટ ખોલી આપવામાં મદદ કરનાર સ્થાનિક ગેંગના ૧૩ સભ્યોની સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓએ ખોલેલા મ્યૂલ એકાઉન્ટમાંથી ૬૩૨ કરોડ જેટલી રકમ ચાઇનીઝ ગેંગને મોકલવામાં આવી હતી અને આ અંગે દેશના વિવિધ રાજ્યોમાં ૨૦૦થી વધુ ફરિયાદ નોંધાઇ ચુકી છે. આ અંગે આરોપીઓની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.
મ્યાંનમાંર, બેંગકોકમાં ચાઇનીઝ ગેંગ દ્વારા કોલ સેન્ટરથી ફોન કરીને ભારતીય નાગરિકો સાથે ડીજીટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આચરીને કરોડો રૂપિયાની હેરફેર કરવા માટે ગુજરાતની વિવિધ બેંકોમાં બનાવટી પેઢીના નામે મ્યૂલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પ્રકારના મ્યૂલ બેંક એકાઉન્ટ ખોલાવનાર ગેગ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા ઓપરેશન મ્યૂલ હંટ શરૂ કરવામાં આવ્યું છે. જે અનુસંધાનમાં પોલીસે અમદાવાદ, રાજકોટ, સુરત,વડોદરા અને ભરૂચમાંથી કુલ ૧૩ આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓ ખોલેલા મ્યૂલ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૬૩૨ કરોડ જેટલી માતબર રકમની હેરફેર કરવામાં આવી હતી. જેમાં વિવિધ રાજ્યોમાં ૯૩૨ અરજીઓ થઇ હતી અને ૨૦૦ જેટલા ગુના નોંધાયા હતા.
રાજકોટ અને સુરતથી ઝડપાયેલા આરોપી માધવજી કોટડિયાએ વિમલ જાડા સાથે મળીને ટેલીગ્રામ ગુ્રપથી વિવિધ લોકોના કસ્ટમર આઇડી મેળવીને લોકોને ક્રેડિટ કાર્ડની લાલચ આપીને ઓટીપી મેળવીને પાસવર્ડ મેળવીને બેંક એકાઉન્ટમાંથી નાણાં મ્યૂલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા. જ્યારે અન્ય આરોપીઓએ પેઢીના નામે મ્યૂલ બેંક એકાઉન્ટ ખોલ્યા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
ઓપરેશન મ્યૂલ હંટમાં ક્યા ક્યા આરોપીઓ ઝડપાયા?
૧. મનીષ લોઢા (રહે.અભિષેક એપાર્ટમેન્ટ, મણિનગર, અમદાવાદ)
૨. અંકિત લોઢા (રહે.અભિષેક એપાર્ટમેન્ટ, મણિનગર, અમદાવાદ)
૩. નવિન વૈષ્ણવ (રહે.વાત્સલ્ય એવન્યુ, ઉધના, સુરત)
૪. મોહિત નાહર (રહે.નંદનીવન સોસાયટી, વેસુ, સુરત)
૫. માધવજી કોટડિયા (રહે.સીટી ક્લાસીક એપાર્ટમેન્ટ, અંબિકા ટાઉનશીપ, રાજકોટ)
૬. નયન ઇટાલિયા (રહે.માધવ પાર્ક સોસાયટી, વેડ રોડ, સુરત)
૭. નિમેષ જેતાણી (રહે.સંગમ એપાર્ટમેન્ટ,એ કે રોડ, સુરત)
૮. વિમલ જાડા (રહે.મોટા વરાછા, સુરત)
૯.અરબાઝ પીરઝાદા (રહે.નવાબ વાડા,રાવપુરા, વડોદરા)
૧૦. ફૈઝાન સોદાગર (રહે.વડોદરા)
૧૧. કાસિફઅલી શેખ (રહે. જેતલપુર, વડોદરા)
૧૨. મોહમંદ મેમન (રહે. મુગલવાડા, વડોદરા)
૧૩. હાર્દિક સરવૈયા (રહે. જંગલેશ્વર, રાજકોટ)



