અમેરિકાથી 35 હજારથી વધુ ગુજરાતીઓએ 1 વર્ષમાં સ્વદેશ પરત ફરવું પડશે, ટ્રમ્પનું ‘તિકડમ’ | Trump New US Green Card Policy Over 35000 Gujaratis on H 1B L 1 Visas to Return to India

![]()
Trump’s New US Green Card Policy: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નવા આદેશ સાથે યુનાઇટેડ સ્ટેટ્સની ઇમિગ્રેશન પોલિસીમાં આવેલા ગ્રીનકાર્ડ ધારકોના પરત આવવાના મોટા ફેરફારને કારણે ગુજરાતમાં એક મોટી ચર્ચા ચાલી રહી છે. અમેરિકાની USCISના 22 મે 2026ના નવા મેમો અનુસાર, ગ્રીન કાર્ડ મેળવવા માટે ઘણા લોકોએ અમેરિકા છોડીને પોતાના દેશમાં પાછા આવીને અરજી કરવી પડશે. આ પરિસ્થિતિમાં વિવિધ અંદાજો અનુસાર ગુજરાતમાંથી આશરે 35,000 લોકો આગામી 6થી 12 મહિનામાં પાછા આવી શકે છે.
H-1B અને L-1 વિઝા ધારકો પર મોટી આફત
આ 35 હજારનો આંકડો મુખ્યત્વે H-1B, L-1, અને અન્ય વર્ક વિઝા પર અમેરિકામાં કામ કરતા ગુજરાતી પ્રોફેશનલ્સને વધુ લાગુ પડી રહ્યો છે. અમદાવાદ, આણંદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાંથી આ લોકોની સંખ્યા વધુ છે. અસંખ્ય ગુજરાતીઓને નોકરીની અનિશ્ચિતતાને કારણે પાછા આવવું પડી રહ્યું છે.
અમેરિકા છોડ્યા બાદ ફરી સેટ થવું મુશ્કેલ
અમદાવાદ સ્થિત વિઝા એજન્ટોના મતે આ લોકો માટે સ્થિતિ એ રીતે કપરી છે કે ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા લોકો ઘણાં લાંબા સમયથી અમેરિકા રહે છે અને હવે તેમને પરત આવવાથી તેમનું ફરી અહીં સેટ થઈને અરજી કરવી વધુ કપરી સાબિત થશે. ગ્રીન કાર્ડની અરજીની પ્રક્રિયા કોઈ સામાન્ય પ્રક્રિયા નથી પરંતુ લાંબી પ્રક્રિયા છે. આ બહાને એક રીતે ટ્રમ્પે આડકતરી રીતે ફરી એકવાર ભારતીયોને પાછા મોકલવાની પ્રક્રિયા હાથ ધરી છે.
આ પણ વાંચો: તો અરબ દેશોની જેમ ઈરાન પણ ઈઝરાયલ સાથે હાથ મિલાવી લેશે? ટ્રમ્પના દાવાથી ખળભળાટ
આઈટી, એન્જિનિયરિંગ અને હેલ્થકેર ક્ષેત્ર પર અસર
સૌથી વધુ જોવા મળતા કેસ H-1B વિઝા ધારકોના છે. ટેક્નોલોજી, આઈટી, એન્જિનિયરિંગ અને હેલ્થકેર ક્ષેત્રે કામ કરતા ગુજરાતી પ્રોફેશનલ્સ EB-2 અને EB-3 કેટેગરીમાં ગ્રીન કાર્ડ માટે અરજી કરી રહ્યા છે. આ લોકોમાં ઘણા અમદાવાદ, સુરત અને વડોદરાના છે. તેઓ પરિવાર સાથે લાંબા સમયથી અમેરિકામાં રહેતા હતા અને હવે ગ્રીન કાર્ડ મેળવવા માટે પાછા આવી રહ્યા છે. L-1 વિઝા પર મલ્ટિનેશનલ કંપનીઓમાં કામ કરતા મેનેજર્સ અને એક્ઝિક્યુટિવ્સના કેસ પણ વધુ જોવા મળે છે. આ લોકો EB-1C કેટેગરીમાં અરજી કરે છે. ડાયમંડ, ટેક્સટાઈલ અને ફાર્મા બિઝનેસ સાથે જોડાયેલા ગુજરાતી વ્યવસાયિકોમાં આ પ્રકારના કેસ વધુ છે.



