સનફાર્મા રોડની સ્નેહ હોસ્પિટલના મેડિક્લેમ કૌભાંડના સૂત્રધારો ભૂગર્ભગમાં ઉતરી ગયા | mastermind of madiclaim scam of sneh hospital not found

![]()
વડોદરાઃ વડોદરાના સનફાર્મા રોડ પરની મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા ત્રણ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં દર્દીઓની બોગસ ફાઇલો મૂકી રૃ.૬.૨૪ લાખ નો ક્લેમ મેળવવાના બહાર આવેલા કૌભાંડમાં પોલીસની તપાસ હજી ઠેરની ઠેર છે.
સ્નેહ મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલના વહીવટકર્તાઓ દ્વારા આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ,બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ અને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીમાં ત્રણ પરપ્રાંતીય દર્દીની મેડિક્લેમની ફાઇલો મૂકવામાં આવી હતી.જે ફાઇલોમાં તમામ રિપોર્ટ બોગસ હોવાનું અને સારવાર કરનાર ડોક્ટરે આવી કોઇ સારવાર કરી નહિ હોવાનું સોગંદનામું કરી આપતાં મેડિક્લેમ કૌભાંડ બહાર આવ્યું હતું.
ઉપરોક્ત કૌભાંડમાં મહારાષ્ટ્ર,હરિયાણા અને યુપીના ત્રણ દર્દી સહિત બીજા પણ દર્દીઓના નામે મેડિક્લેમ મેળવી લેવામાં આવ્યો હોવાની આશંકાને પગલે જેપી રોડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી હતી.
બનાવની તપાસ કરતા પીએસઆઇ એસવી સાખરાની પ્રાથમિક તપાસમાં સ્નેહ હોસ્પિટલ દોઢ વર્ષ પહેલાં સુરતના સતીષ હિંગુ અને પ્રતીક ખૂંટ દ્વારા શરૃ કરવામાં આવી હોવાની વિગતો બહાર આવતાં બંનેની તપાસ કરવામાં આવી હતી.પરંતુ તેઓ ભૂગર્ભમાં ઊતરી ગયા છે.આ ઉપરાંત જે દર્દીના નામે મેડિક્લેમ મુકાયા તેમનો પણ હજી પત્તો લાગ્યો નથી.જેથી ઇન્સ્યોરન્સ કંપની પાસે તેમની વધુ વિગતો માગવામાં આવી છે.



