દીવના નાગવા રોડ પર ગમખ્વાર અકસ્માત: સુરતની કારે ટક્કર મારતાં MPના વેપારી પિતા-પુત્રના કરુણ મોત | MP Family’s Diu Trip Turns Fatal as Surat Car Crashes Into Their Vehicle

![]()
Diu Accident: દીવના નાગવા રોડ પર રવિવારે (17મી મે) મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી સુરત પાસિંગની એક કારે સામેથી આવતી કારને જોરદાર ટક્કર મારતાં મધ્ય પ્રદેશના એક જ સિંધી પરિવારના પિતા અને સગા સગીર પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે મૃતકની પત્ની અને ભત્રીજાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર અર્થે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોતાની નજર સામે જ પતિ અને એકના એક પુત્રને દમ તોડતા જોઈ વિલાપ કરતી માતા પર આભ તૂટી પડ્યું છે.
ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો
મળતી માહિતી અનુસાર, મૂળ મધ્ય પ્રદેશના ગ્વાલિયરના રહેવાસી 50 વર્ષીય પૃથ્વી વાધવાનીના મોટાભાઈ ગિરધારીલાલે જૂનાગઢ નજીક તલની એક નવી ફેક્ટરી શરૂ કરી છે. આ શુભ પ્રસંગે હાજરી આપવા માટે પૃથ્વીભાઈ તેમના પરિવાર સાથે ગ્વાલિયરથી જૂનાગઢ આવ્યા હતા. રવિવારે બપોરે ફેક્ટરીના ઓપનિંગમાં હાજરી આપ્યા બાદ, બંને ભાઈ પોતાના પરિવાર સાથે દીવ ફરવા માટે નીકળ્યા હતા અને ત્યાંથી સોમનાથ મહાદેવના દર્શને જવાનું આયોજન હતું.
રાત્રિના આશરે 11:00 વાગ્યાની આસપાસ, પરિવાર સ્વિમિંગ પૂલની મજા માણીને નાગવા નજીક આવેલી એક હોટેલમાં ડિનર માટે પોતાની કારમાં જઈ રહ્યો હતો. આ કારમાં પૃથ્વીભાઈ, તેમનો 16 વર્ષનો પુત્ર અનિકેત, પત્ની નીતુબેન અને ભત્રીજો ઓમેશ સવાર હતા, ત્યારે જ અકસ્માત સર્જાયો હતો. સુરતની કારની ઘાતક ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેમાં પૃથ્વી હુનદરાજ વાધવાની અને 16 વર્ષીય પુત્ર અનિકેત પૃથ્વીભાઈ વાધવાનીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની નીતુ વાધવાની અને ભત્રીજા ઓમેશ ગિરધારીભાઈ વાધવાનીને ઉનાની હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે.
અકસ્માત સર્જનાર કાર સુરતના શખ્સની
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અકસ્માત સર્જનાર કારનો નંબર GJ-16-CH-3528 છે. આરટીઓ (RTO) રેકોર્ડ અનુસાર આ કાર સુરતના યોગી ચોક, સ્વસ્તિક પ્લાઝા પાસે આવેલા ‘102 ક્રિષ્ના રો-હાઉસ’ના રહેવાસી મિહિર નામના વ્યક્તિની હોવાનું ખૂલ્યું છે. અકસ્માત સમયે આ કારમાં કુલ 6 લોકો સવાર હતા.
3 આરોપીઓ ઝડપાયા
અકસ્માત સર્જાયા બાદ દીવ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કારચાલક સહિત 3 શખસોને ઝડપી પાડ્યા છે. જ્યારે કારમાં સવાર અન્ય 3 શખસો અકસ્માત બાદ રાત્રિના અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. દીવ પોલીસની એક ખાસ ટીમ નાસી છૂટેલા આ ત્રણેય આરોપીઓને પકડવા માટે છેક ઉના સુધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હોસ્પિટલમાં સારવાર લેતી માતા હજુ અજાણ
આ ગમખ્વાર અકસ્માતથી સમગ્ર દીવ પંથકમાં અને ગ્વાલિયરના સિંધી સમાજમાં ભારે શોકની કાલીમા છવાઈ ગઈ છે. સૌથી વધુ કરુણ અને દુઃખદ બાબત એ છે કે, હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી માતા નીતુબેન અને ગ્વાલિયર સ્થિત પરિવારના અન્ય સભ્યોને હજી એ પણ ખબર નથી કે આ અકસ્માતમાં પિતા-પુત્ર બંને કાળનો કોળિયો બની ગયા છે. હાલ દીવ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.



