दुनिया

કલ્પસરનું નિર્માણ : પીએમ મોદી અવિસ્મરણીય ઈતિહાસ રચશે | Construction of Kalpsar: PM Modi will create unforgettable history



– નેધરલેન્ડના પ્રવાસમાં અફસ્લુઇટડિક ડેમથી પ્રભાવિત થઈ ટેક્નોલોજી ગુજરાત લવાશે

– નેધરલેન્ડના જળ સંચાલન મંત્રાલય સાથે એલઓઆઈ : ભારતે સેમીકન્ડક્ટર, સંરક્ષણ, ક્રિટિકલ મિનરલ્સ સહિતના ક્ષેત્રોમાં 17 કરાર કર્યા

– ધોલેરામાં સેમીકન્ડક્ટર ફેબને સહયોગ આપવા ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને એએસએમએલ વચ્ચે સમજૂતી કરાર

ધ હગ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપના પ્રવાસમાં ભારત અને નેધરલેન્ડ્સના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. પીએમ મોદી અને નેધરલેન્ડના વડાપ્રધાન રોબ જેટને બંને દેશોના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવાની જાહેરાત કરી હતી. આ સાથે ભારત અને નેધરલેન્ડે સંરક્ષણ, સેમીકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ્સ, ગ્રન હાઈડ્રોજન, ઊર્જા, કૃષિ અને ટેક્નોલોજી સહિત અનેક ક્ષેત્રોમાં ૧૭ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

પીએમ નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પીએમ રોબ જેટનની વાટાઘાટો પછી સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ હોર્મુઝની ખાડીમાં ફ્રીડમ ઓફ નેવિગેશન એટલે કે સુરક્ષિત અને મુક્ત સમુદ્રી માર્ગોના સમર્થનની વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ડચ પીએમ સાથે નેધરલેન્ડના મહત્વના જળ સંચાલન પ્રોજેક્ટ અફસ્લુઇટડિક ડેમની મુલાકાત લીધી હતી. પીએમ મોદીના આ પ્રવાસને ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ સાથે જોડીને જોવામાં આવે છે. 

અફસ્લોટડિક ડેમ નેધરલેન્ડનો સૌથી મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ છે, જે નેધરલેન્ડના ઉત્તર હોલેન્ડ અને ફ્રાઈસલેન્ડ પ્રાંતને જોડે છે. ૩૨ કિ.મી. લાંબો અને ૯૦ મીટર પહોળો આ બંધ ઉત્તરી સમુદ્ર અને મીઠા પાણીના આઈસેલમેર સરોવરને અલગ પાડે છે અને તે પૂરને રોકે છે. આ ડેમ ખારા પાણીના અખાતને મીઠા પાણીના જળાશયમાં રૂપાંતરિત કરવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ અને અફસ્લોટડિક વચ્ચે ઘણી સમાનતા છે. ગુજરાતમાં સૂચિત કલ્પસર પ્રોજેક્ટનો આશય ખંભાતની ખાડીમાં વિશાળ મીઠાના પાણીનું જળાશય વિકસાવવાનો છે, જેમાં ભરતી-ઓટ ઊર્જા ઉત્પાદન, સિંચાઈ અને પરિવહન સુવિધાઓને એકીકૃત કરાશે. કલ્પસર પ્રોજેક્ટનો આશય ખંભાતના અખાત દ્વારા સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડવાનો છે અને સાથે વિશાળ મીઠા પાણીનું જળાશય બનાવવાનો છે. આ સંદર્ભમાં ભારતના જળ શક્તિ મંત્રાલય અને નેધરલેન્ડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માળખા અને જળ સંચાલન મંત્રાલય વચ્ચે ટેકનિકલ સહયોગ માટે એમઓયુ થયા હતા. 

નેધરલેન્ડની આ અદ્યતન એન્જિનિયરિંગ કુશળતા ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ માટે માર્ગદર્શક બનશે.

વડાપ્રધાન મોદી અને ડચ પીએમ જેટને ભારત-નેધરલેન્ડ રણનીતિક ભાગીદારી રોડમેપ ૨૦૨૬-૨૦૩૦ પર સહમતી વ્યક્ત કરી હતી. આ વ્યાપક દસ્તાવેજ આગામી વર્ષોમાં દ્વિપક્ષીય સહયોગની દિશા નિશ્ચિત કરશે અને વેપાર, ટેક્નોલોજી તથા વૈશ્વિક ભાગીદારીને નવી ગતિ આપશે. આ પ્રવાસમાં નેધરલેન્ડે ચોલ રાજવંશના તામ્રપત્રો ભારતને પાછા આપ્યા હતા, જે ૧૮મી સદીમાં ડચ અધિકારીઓ તમિલનાડુથી લઈ ગયા હતા.

આ સિવાય સંરક્ષણ ક્ષેત્રમાં બંને દેશોએ ડિફેન્સ ઈન્ડસ્ટ્રીયલ રોડમેપ બનાવવા સહમતિ વ્યક્ત કરી હતી, જેના હેઠળ સંયુક્તરૂપે સંરક્ષણ ઉપકરણો અને સિસ્ટમનું નિર્માણ કરાશે, જેમાં ટેક્નોલોજી ટ્રાન્સફર અને સંયુક્ત સાહકો પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને એએસએમએલ વચ્ચે ધોલેરામાં સેમીકન્ડક્ટર ફેબને સહયોગ આપવા માટે સમજૂતી કરાર થયા હતા. 

આ સાથે ભારતના ખાણ મંત્રાલય અને નેધરલેન્ડના વિદેશ મંત્રાલય વચ્ચે ક્રિટિકલ મિનરલ્સ પર પણ એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા.

– વડાપ્રધાન મોદીને સ્વિડનનો સર્વોચ્ચ એવોર્ડ એનાયત કરાયો

ગોથેનબર્ગ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુરોપના ચાર દેશોના પ્રવાસના ભાગરૂપે રવિવારે સ્વીડનના બીજા સૌથી મોટા શહેર ગોથેનબર્ગ પહોંચ્યા હતા. ે સ્વીડને પીએમ મોદીનું તેમના સર્વોચ્ચ એવોર્ડમાંથી એક રોયલ ઓર્ડર ઓફ પોલર સ્ટાર, કમાન્ડર ગ્રાન્ડ ક્રોસ એનાયત કર્યો હતો. 

વડાપ્રધાન અને સ્વીડનના પીએમ ક્રિસ્ટરસન વચ્ચે રવિવારે જ દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી. તેમણે વેપાર, એઆઈ, સ્પેસ, જળવાયુ પરિવર્તન સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.



Source link

Related Articles

Back to top button