જામનગરમાં સનમ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો : 4.06 લાખનો મુદ્દામાલ સાથે એકની અટકાયત | theft case in Jamnagar was solved : One person was arrested with valuables worth Rs 4 06 lakh

![]()
Jamnagar Theft Case : જામનગર શહેરની સનમ સોસાયટી વિસ્તારમાં થયેલ અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાનો જામનગર સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂ.4.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જામનગર શહેરમાં બનતા ચોરી તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે પોલીસે બાતમીના આધારે આરોપી શમીર ઉર્ફે બાપુડી ઓસમાણભાઈ શેખ (ઉ.વ.25, રહે. મોરકંડા રોડ રાજ સોસાયટી શેરી નં.3, જામનગર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી સોનાના કાનના ટોપ્સ, પેન્ડલ સાથેના ચેન, લેડીઝ વીટી, ચાંદીના સાકળા, પોચી, લક્કી અને ઝાંઝરી સહિત કુલ રૂ.3,63,000ના દાગીના તથા રૂ.43,100 રોકડા મળી કુલ રૂ. 4,06,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 305(એ), 331(3), 331(4) મુજબ નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.



