CJI સૂર્યકાંતની સ્પષ્ટતા: ‘મેં બેરોજગાર યુવાનોની સરખામણી કોકરોચ સાથે નથી કરી, મીડિયાએ નિવેદન ખોટી રીતે રજૂ કર્યું’ | cji suryakant clarifies cockroach comment media misquoted

![]()
CJI Suryakant clarification: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતે સુનાવણી દરમિયાન બેરોજગાર યુવાનોની સરખામણી વંદા (કોકરોચ) સાથે કરવાના અહેવાલો પર શનિવારે મોટી સ્પષ્ટતા કરી છે. સીજેઆઈએ મીડિયાના એક વર્ગ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તેમની મૌખિક ટિપ્પણીને સંપૂર્ણપણે તોડી-મરોડીને અને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. તેમણે દેશના યુવાનોની ટીકા કરી હોવાની વાત તદ્દન પાયાવિહોણી છે.
CJI એ દુ:ખ વ્યક્ત કર્યું
અહેવાલ મુજબ, CJI સૂર્યકાંતે આ વિવાદ પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, “મને એ જાણીને ખૂબ જ દુઃખ થયું છે કે મીડિયાના એક હિસ્સાએ ગઈકાલે એક કેસની સુનાવણી દરમિયાન મારી મૌખિક ટિપ્પણીઓને ખોટી રીતે રજૂ કરી છે. મેં માત્ર એવા લોકોની આલોચના કરી હતી. જેઓ નકલી અને બોગસ ડિગ્રીના જોરે વકીલાત જેવા ક્ષેત્રોમાં ઘૂસી ગયા છે. આવા લોકો મીડિયા, સોશિયલ મીડિયા અને અન્ય પ્રતિષ્ઠિત વ્યવસાયોમાં પણ ઘૂસણખોરી કરી ચૂક્યા છે અને તેઓ પરજીવી સમાન છે. મેં દેશના યુવાનોની આલોચના કરી છે તેવું કહેવું તદ્દન ખોટું છે.
દેશના યુવાનો વિકસિત ભારતના સ્તંભ છે
ચીફ જસ્ટિસે યુવાનો પ્રત્યે પોતાનું સન્માન વ્યક્ત કરતા ઉમેર્યું કે, “મને આપણા દેશના વર્તમાન અને ભવિષ્યના માનવ સંસાધન પર ગર્વ છે. દરેક યુવાન મને પ્રેરણા આપે છે. યુવાનો પ્રત્યે મારા મનમાં ખૂબ જ આદર છે અને હું તેમને એક વિકસિત ભારતના મજબૂત સ્તંભ તરીકે જોઉં છું.”
શું હતો સમગ્ર વિવાદ?
શુક્રવારે CJI સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેંચ સમક્ષ એક વકીલની અરજી પર સુનાવણી ચાલી રહી હતી. આ વકીલ સિનિયર એડવોકેટનો દરજ્જો મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. સુનાવણી દરમિયાન કોર્ટે વકીલના સોશિયલ મીડિયા (ફેસબુક) પરના વર્તન અને ભાષા સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી.
વકીલની ઝાટકણી કાઢી
પીઠે વકીલની ઝાટકણી કાઢતા કહ્યું કે, સમાજમાં આવા ઘણા પરજીવીઓ પહેલેથી જ હાજર છે જેઓ નકલી ડિગ્રીઓ મેળવીને વ્યવસ્થા પર હુમલો કરે છે અને પછીથી મીડિયા કે આરટીઆઈ એક્ટિવિસ્ટ બની જાય છે. કોર્ટે વકીલને કહ્યું કે, “આખી દુનિયા સિનિયર એડવોકેટ બનવા માટે પાત્ર હોઈ શકે છે, પરંતુ તમે તો બિલકુલ નથી.” સીજેઆઈએ ત્યાં સુધી કહ્યું કે, જો દિલ્હી હાઈકોર્ટ તમને આ દરજ્જો આપી પણ દે, તો સુપ્રીમ કોર્ટ તમારા વ્યવસાયિક આચરણને જોઈને તેને રદ કરી દેશે.
સમગ્ર મામલો સ્પષ્ટ થયો
આ સુનાવણી દરમિયાન વંદા અને પરજીવી શબ્દનો પ્રયોગ નકલી ડિગ્રીધારકો માટે કરાયો હતો. જેને મીડિયામાં બેરોજગાર યુવાનો સાથે જોડીને રજૂ કરવામાં આવતા સીએસઆઈએ આજે જાહેરમાં આવીને સ્પષ્ટતા કરવી પડી છે. સમગ્ર મામલે સ્પષ્ટતા બાદ મામલો થાળે પડે તેવી શક્યતા છે.



