વિશ્વ પરિવાર દિવસ: 38 સભ્યોની સુરતની ‘બોર્ડર વાલા મેન્સન’ હવેલી, એક સમયે 100 લોકોનું પરિવાર સાથે રહેતું | International Family Day: Border Wala Mansion in Surat Remains a Symbol of Joint Family Values

![]()
International Family Day: આજના આધુનિક યુગમાં જ્યાં એકલ પરિવાર પ્રથા ઝડપથી વધી રહી છે, ત્યાં સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી ‘બોર્ડર વાળા મેન્સન’ નામની ઐતિહાસિક હવેલી આજે પણ સંયુક્ત પરિવારની અનોખી ઓળખ બની રહી છે. એક સમય એવો હતો જ્યારે આ હવેલીમાં એક જ પરિવારના 100થી વધુ સભ્યો સાથે રહેતા હતા, પરંતુ સમય બદલાવવા સાથે આધુનિકતા અને સંકળાસના કારણે 100 સભ્યોના વિશાળ પરિવાર ધરાવનારા પરિવારના સભ્યોની સંખ્યા 38 થઈ છે. આ પરિવારના વડીલ કહે છે કે, ‘આજે પણ લેટ ગો શીખવામાં આવે તો સંયુક્ત પરિવારમાં રહેવાનું શક્ય છે.’
વિશ્વ પરિવાર દિવસ પર મોડેલ બની ‘બોર્ડર વાલા મેન્સન’ હવેલી
કોટ વિસ્તારમાં આવેલા સલાબતપુરા ધામલાવાડમાં ‘બોર્ડર વાલા મેન્સન’ આવ્યું છે, આ બિલ્ડિંગ વિશ્વ પરિવાર દિવસ માટે મોડેલ બની ગયું હતું. આઝાદીની સાલ 1947માં બનેલું આ બિલ્ડિંગમાં એક સમય એવો હતો કે જ્યાં એક જ પરિવારના 100 વ્યક્તિ હળીમળીને રહેતા હતા. એટલું જ નહીં પણ એક જ રસોડામાં સૌનું ભોજન બનતું હતું. જો કે, હવે પરિવારના સભ્યોની સંખ્યા 38 પર પહોંચી ગઈ છે. ઘર એટલું વિશાળ અને જીવંત હતું કે સવારે ચહલપહલથી લઈને રાત્રિના ભોજન સુધી આખું મકાન ઉત્સવમય લાગતું. પરિવારનો પ્રભાવ એટલો મોટો હતો કે તેમાં 75 જેટલા મતદારોનો સમાવેશ થતો હતો.
પરિવારના અગ્રણી મનહરભાઈ બોર્ડરવાલા કહે છે, ‘દાદા વેણીલાલ અને તેમના ભાઈ બેચરદાસ અને પરભુભાઈનો સંયુક્ત પરિવાર આ બિલ્ડિંગમાં રહેતો હતો. ત્યારબાદ તેમના પુત્રો ગંગારામ, ચુનીલાલ ભગવાનદાસ અને ચંપકલાલ અને પ્રાણજીવનભાઈના પરિવાર અને ત્યાર બાદ અમારી ત્રીજી પેઢીના અમે રહીએ છીએ. આ બિલ્ડિંગ એક સમયે એક જ પરિવારના 100 સભ્યો સંપીને રહેતા હતા. નવી પેઢીઓ અલગ વિચારસરણી સાથે આગળ વધી અને વ્યવસાય-નોકરીના કારણે સભ્યો અલગ થવા લાગ્યા. હાલ આ જ હવેલીમાં અંદાજે 38 સભ્યો રહે છે. સભ્યો હજુ પણ એક જ મકાનમાં રહે છે, પરંતુ હવે પહેલાની જેમ એક જ ચુલો નથી રહ્યો. રસોડાં અલગ થયા છે, પરંતુ લાગણીઓ અને સંબંધોની ડોર હજુ યથાવત છે.’
હાલના સમયે લોકો સિંગલ ચાઈલ્ડ અને માતા પિતા સાથે પણ રહેતા નથી, તેવામાં આટલો મોટા પરિવાર સાથે કઈ રીતે રહો છો તેના જવાબમાં તેઓએ કહ્યું કે, ‘વાસણ હોય તો ખખડે પણ તેમ છતાં મોટું મન રાખાવનું અને જૂની નવી પેઢી વચ્ચે સમન્વય માટે લેટ ગો કરીએ છીએ. તેથી પરિવારના સભ્યો હળીમળીને રહીએ છીએ.’
વિશ્વ પરિવાર દિવસે સુરતની આ હવેલી સૌને મેસેજ આપે છે કે સમય બદલાય, ઘરના રૂમ અલગ થાય, ચૂલા અલગ થાય છતાં દિલો જોડાયેલા રહે તે જ સાચો પરિવાર છે.



