અમદાવાદ: લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વર-કન્યા પક્ષ વચ્ચે ધીંગાણું, બે લોકોની ધરપકડ | Ahmedabad Wedding Turns Into Battleground Over Food Quality Cross Complaints Filed

![]()
Ahmedabad News: અમદાવાદના કુબેરનગરમાં આવેલા સિંધુ હોલમાં એક લગ્ન પ્રસંગમાં સાવ સામાન્ય ગણાતી વાતમાં જોતજોતામાં રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ હતી. જમણવારમાં બિરયાનીના બદલે પુલાવ કેમ બનાવ્યો અને તે સ્વાદિષ્ટ ન હોવા જેવી બાબતે વર અને કન્યાપક્ષ સામસામે આવી ગયા હતા. આ ધીંગાણામાં છરી, લોખંડના ઝારા અને તાવેતા જેવા રસોડાના સાધનોથી એકબીજા પર હુમલો કરાયો હતો, જેમાં બંને પક્ષના લોકો લોહીલુહાણ થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે આ મામલે સામસામી ફરિયાદ નોંધી બે લોકોની ધરપકડ કરી છે.
કન્યા પક્ષનો આરોપ
દિલ્હીની રહેવાસી 23 વર્ષીય કન્યા કશિશ કછવાયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના લગ્ન વસ્ત્રાલમાં રહેતા સાગર વાણી સાથે 12મી મેના રોજ નિર્ધારિત હતા. 11મી મેની રાત્રે સિંધુ હોલ ખાતે જમણવારમાં પુલાવ બરાબર ન બનવા બાબતે બંને પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, જે તે સમયે શાંત પડી ગઈ હતી. પરંતુ, મોડી રાત્રે આશરે 1 વાગ્યે આ અદાવત રાખી સાગર, તેનો ભાઈ અમૃત અને તેમના મિત્રો ત્યાં આવ્યા હતા અને ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન અમૃતના મિત્રએ મારા પિતાના ડાબા હાથે છરો મારી દીધો હતો. જ્યારે ચેતન નામના શખસે કાકી સારિકા બહેનને વચ્ચે પડતા હથેળીમાં છરીનો ઘા માર્યો હતો. સાગર, અમૃત અને અન્ય મિત્રોએ મારા દાદી, માતા અને ભાઈ સાથે પણ મારપીટ કરી હતી.
આ ધાંધલધામમાં કશિશનું સોનાનું મંગળસૂત્ર, વીંટી અને કાકીનો સોનાનો દોરો ખોવાઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે અને સાગર, અમૃત, ચેતન તથા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે.
વર પક્ષનો વળતો આરોપ
બીજી તરફ, વરરાજાના મિત્ર આકાશસિંહ પરિહારે કન્યા પક્ષ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, રાત્રે જમણવાર વખતે કન્યાના ભાઈ રીતિકે “બિરયાનીને બદલે પુલાવ કેમ બનાવ્યો છે?” તેમ કહી ઝઘડો કર્યો હતો. તે સમયે પોલીસે આવીને સમાધાન કરાવ્યું હતું. જો કે, મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ રીતિકે ફરી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે વરપક્ષના લોકો તેને સમજાવવા ગયા ત્યારે ઉશ્કેરાયેલા રીતિકે આકાશસિંહના માથામાં લોખંડનો ઝારો ફટકારી દીધો હતો. અન્ય શખ્સોએ સૂરજના માથા અને મોઢા પર મોટો તાવેતો અને તીક્ષ્ણ હથિયાર માર્યા હતા. વચ્ચે છોડાવવા પડેલા મદનને પણ ખભાના ભાગે હથિયાર વાગતા લોહી નીકળવા લાગ્યું હતું. આકાશસિંહે કન્યાના ભાઈ રીતિક, પિતા કમલેશ અને અન્ય એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે તપાસ શરૂ કરી
કુબેરનગર પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને બંને પક્ષની ફરિયાદોના આધારે તપાસ શરૂ કરી છે. લગ્ન જેવો આનંદનો પ્રસંગ ભોજનની બાબતે લોહીયાળ સંઘર્ષમાં ફેરવાઈ જતાં સમગ્ર પંથકમાં ચર્ચાઓ જાગી છે. હાલમાં પોલીસે આ ઘટના સંદર્ભે બે લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



