અમદાવાદમાં એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બિઝનેસમેન પકડાયો | Cyber Crime Police Nab Man Behind Bomb Threat to Ahmedabad Airport and Schools

![]()
Ahmedabad Bomb Threat Case: અમદાવાદના ગુજસેલ એરપોર્ટ અને શહેરની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખસને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી ભાવેશ પટેલ બીકોમ પાસ હોવા છતાં અને કન્સ્ટ્રક્શન તેમજ ઈવેન્ટ મેનેજમેન્ટ જેવા મોટા વ્યવસાય સાથે સંકળાયેલો હોવા છતાં આ ગુનાહિત કૃત્યમાં સંડોવાયો છે.
‘સૌરભ વિશ્વાસને છોડી દો’ કહી આપ્યો હતો મેઈલ
મળતી માહિતી અનુસાર, 25મી માર્ચ 2026ના રોજ એરપોર્ટ ઓથોરિટીને એક ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે, ‘જો અગાઉ પકડાયેલા આરોપી સૌરભ વિશ્વાસને મુક્ત કરવામાં નહીં આવે તો ગુજસેલ એરપોર્ટ અને શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે.’ આ મેઈલ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને સાયબર ક્રાઈમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સથી ભેદ ઉકેલ્યો
સાયબર ક્રાઈમ DCP ડો. લાવિના સિન્હાના માર્ગદર્શન હેઠળ તપાસ કરતા જાણવા મળ્યું કે, ‘આ મેઈલ ‘bhavesh4518′ જીમેઈલ આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો. પોલીસે ભાવેશ પટેલની અટકાયત કરી તેના મોબાઈલની તપાસ કરતા, રિસાયકલ બિનમાંથી ડિલીટ કરી દેવાયેલા મેઈલના પુરાવાઓ મળી આવ્યા હતા. આરોપીએ કબૂલાત કરી છે કે આ મેઈલ તેના જ ડિવાઈસ પરથી મોકલવામાં આવ્યો હતો.’
આર્થિક રીતે સદ્ધર હોવા છતાં કેમ કર્યું આવું કામ?
આરોપી ભાવેશ પટેલનું બેકગ્રાઉન્ડ તપાસતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, તે કન્સ્ટ્રક્શનના મોટા વ્યવસાય સાથે જોડાયેલો છે અને આર્થિક રીતે સદ્ધર છે. ભાવેશ તેના મિત્રની કંપની સાથે મળીને એ જ ગુજસેલ એરપોર્ટ પર યોજાતા વિવિધ કાર્યક્રમોના ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ પણ કરતો હતો. પ્રાથમિક તપાસમાં એરપોર્ટના કામકાજને લગતી કોઈ અંગત અદાવતમાં તેણે આ પગલું ભર્યું હોવાની આશંકા છે.
પોલીસની તપાસ ચાલુ
DCP લાવિના સિન્હાએ જણાવ્યું કે, ‘અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ કે ભાવેશે આ કૃત્ય પોતાની જાતે જ કર્યું છે કે કોઈ અન્યની ઉશ્કેરણીથી. સૌરભ વિશ્વાસ સાથે તેનો શું સંબંધ છે અને ધમકી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો, તે પૂછપરછ બાદ સ્પષ્ટ થશે.’



