गुजरात

કારેલીબાગથી કલાદર્શન સુધીના માર્ગે દબાણો જ દબાણો | Pressures and pressures on the way from Karelibaug to Kaladarshan



અત્રેના મુક્તાનંદ સર્કલથી કલાદર્શન ચાર રસ્તા તરફ જતા આશરે છ કિલોમીટરના સિક્સલેન માર્ગ પર ફૂટપાથો ગેરકાયદે દબાણોના કારણે નજરે ચઢતા નથી. માર્ગની બંને તરફ ફૂટપાથ પર કાયમી દબાણો ઉભા કરી દેવાયા હોવાથી રાહદારીઓ માટે રસ્તા પર ચાલવું મુશ્કેલ બની ગયું છે.

ઠેર ઠેર ફૂટપાથ પર બાંધકામ કરી દેવાયા છે તો કેટલાક લોકોએ શેડ ઉભા કરી કબજો જમાવ્યો છે. અનેક સ્થળોએ વાહનોનું કાયમી પાર્કિંગ થતું હોવાથી ફૂટપાથ સંપૂર્ણપણે બંધ થઈ જતા સામાન્ય નાગરિકોને સડક પર ચાલવાની ફરજ પડી રહી છે. ભારે ટ્રાફિક વચ્ચે રસ્તા પર ચાલવું જોખમી બનતું જાય છે.

ખાસ કરીને સિનિયર સિટિઝન, મહિલાઓ અને બાળકો માટે પરિસ્થિતિ વધુ કપરી બની છે. આ માર્ગ પર ચાર જેટલી શાળાઓ આવેલી હોવાથી વિદ્યાર્થીઓને પણ રોજબરોજના જોખમ વચ્ચે અવરજવર કરવી પડેછે. જેના પરિણામે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

ફૂટપાથ પરના દબાણો હવે એટલા વધી ગયા છે કે કેટલીક જગ્યાએ માર્ગ પર જ સામાન મૂકાતા વાહનચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. ઉમાચાર રસ્તા તેમજ ગધેડા માર્કેટ નજીક તો દબાણોના કારણે માર્ગ સિંગલ જેવો બની ગયો છે…!

આ માર્ગ શહેરનો મહત્ત્વનો અને સતત ધમધમતો માર્ગ ગણાય છે. અહીંથી રોજેરોજ ભારદારી વાહનો સહિત હજારો વાહનોની અવરજવર રહેતી હોવાથી ફૂટપાથની જરૂરિયાત વધુ છે. છતાં ઠેર ઠેર દબાણો થતાં મ્યુનિ. કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

સ્થાનિક રહીશો અને રાહદારીઓએ ફૂટપાથોને તાત્કાલિક દબાણમુક્ત કરવાની માગ ઉઠાવી છે.



Source link

Related Articles

Back to top button