અમદાવાદ મ્યુનિ.નુ નવુ તરકટ, તમે કયા વોર્ડમાં છો એ કહો પછી જ તમારી ફરિયાદ અમે નોંધી શકીશું | Ahmedabad Municipal Corporation’s new plan

![]()
અમદાવાદ,શુક્રવાર,8
મે,2026
સ્માર્ટસિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ સામાન્ય નાગરિકને
હેરાન કરવાનુ નવુ તરકટ સામે આવ્યુ છે.કોર્પોરેશન તરફથી શહેરીજનો તેમની રોડ,ગટર અને પાણી સહિતની
પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદ નોંધાવી શકે એ માટે ૧૫૫૩૦૩ નંબર ઉપર ફરિયાદ લેવામા આવતી
હોય છે.પરંતુ હવે એમા પણ જયારે કોઈ નાગરિક તેની ફરિયાદ લખાવવા ફોન કરે છે ત્યારે તેને
તેનુ નામ પુછવાની સાથે તે કયા વોર્ડમાં છે તે પુછવામા આવે છે.જયાં સુધી ફરિયાદ કરનાર
નાગરિક પોતે કયા વોર્ડમા ઉભા છે તે ના કહે ત્યાં સુધી તેની ફરિયાદ નોંધી નહીં શકાય
એમ પણ તેને કહેવામા આવે છે.સામાન્ય નાગરિકને કયો વિસ્તાર કયા વોર્ડમાં આવ્યો છે તે
ખબર જ હોય એ જરુરી નથી.તેમ છતાં ફરિયાદ નોંધવાના બદલે તેને હેરાન કરવામા આવે છે.
વર્ષ-૨૦૧૪-૧૫માં
શહેરના પૂર્વ મેયર મિનાક્ષીબેન પટેલના સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં
કોમ્પ્રિહેન્સિવ રીડ્રેસલ સિસ્ટમ એટલે કે સી.સી.આર.એસ.ઉપર લોકો તરફથી કરવામા આવતી
પ્રાથમિક સુવિધા અંગેની ફરિયાદ નોંધવામા આવે છે. સ્માર્ટસિટી અને કોર્પોરેશનના
ઈ-ગવર્નન્સ વિભાગ માટે શરમજનક બાબત તો એ છે કે, તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા હોય કે એમ.થેન્નારસન અને હવે બંછાનિધિ પાની.આ તમામ
મ્યુનિસિપલ કમિશનરોએ સી.સી.આર.એસ. ઉપર નોંધાતી ફરિયાદો નિકાલ કર્યા વગર કલોઝ કરી
દેવામા આવતી હોવાથી લઈ ફરિયાદ નોંધવાથી લઈ નિકાલ કરવા સુધીની પધ્ધતિમા સુધારો કરવા
અનેક વખત ટકોર કરી અને સંબંધિતોને ઠપકા પણ આપેલા છે. આમ છતાં કોર્પોરેશનના
અધિકારીઓ લોકોને સરળ બને એવી સિસ્ટમ કાર્યરત કરવાના બદલે લોકોને વધુ પરેશાન કરી
રહયા છે તે હકીકત છે.
મ્યુનિ.નું KNOW YOUR WARD દેખાતુ જ નથી
અમદાવાદના ૪૮ વોર્ડમાં કયાં કયો વિસ્તાર આવે છે.જે તે
વોર્ડની હદ કયાંથી શરુ થાય અને કયાં પુરી થાય વગેરે વિગતો દર્શાવતી એક એપ્લિકેશન
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરુ કરવામા આવી હતી. વર્ષ-૨૦૨૧ની સામાન્ય ચૂંટણી થઈ
ત્યાં સુધી આ એપ્લિકેશન મ્યુનિ.ની વેબસાઈટ ઉપર જોવા મળતી હતી.હાલમાં નો યોર વોર્ડ
તો કયાંય દેખાતુ જ નથી.



