રૂ. 44 લાખનાં ગેસની ચોરી અંગે શાપરનાં કારખાનાનાં 3 સંચાલકોની ધરપકડ | 3 managers of Shapar factory arrested for stealing gas worth Rs 44 lakh

![]()
ગેસની પાઇપલાઇનમાં હોલ કરી ગેસની ચોરી કરતા હતા : તપાસના અંતે ત્રણેય આરોપીઓ જેલહવાલે : શાપરમાં 6 માસમાં ગેસ ચોરી અંગે બીજો ગુનો
રાજકોટ, : ઔદ્યોગિક વસાહત શાપરમાં ગુજરાત ગેસનાં રૂ. 44.52 લાખનાં ગેસની ચોરી કરવા અંગે પોલીસે ઇટર્નલ ફૂડ પ્રોડક્ટ નામના કારખાનાના ત્રણ સંચાલકો દિપેન વિઠ્ઠલભાઇ ઠુમ્મર, પરેશ લાખાભાઇ ઠુમ્મર અને કાજલબેન દીપકભાઇ મેઘનાથી વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓને તપાસના અંતે જેલહવાલે કરાયાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
એકલા શાપરમાં જ આ રીતે ગુજરાત ગેસના ગેસની ચોરી કરવા અંગે છેલ્લા છ માસમાં બીજો ગુનો નોંધાયો છે. ગુજરાત ગેસ કંપનીમાં ટેકનિકલ વિભાગમાં એન્જિનિયર તરીકે નોકરી કરતાં ભાવસિંહ ડોડીયા (રહે. રામેશ્વર પાર્ક)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેની કંપની દ્વારા રાજકોટ જિલ્લામાં ઔદ્યોગિક હેતુ માટે કુલ 566 ગ્રાહકોને કનેક્શન આપવામાં આવ્યા છે, જેમાં કોઇ ગેરરીતિ થાય છે કે કેમ તેની અવારનવાર ચકાસણી થાય છે. ગઇ તા. 13ના રોજ ઇટર્નલ ફુડ પ્રોડક્ટ નામના કારખાનામાં તપાસ કરતાં મુખ્ય પાઇપલાઇનમાં ગેરકાયદે હોલ કરી બીજું કનેક્શન લઇ ગેસ ચોરી કરાતી હોવાનું ખુલ્યું હતું. આરોપીઓએ 2023 માં ગેસ કનેક્શન લીધું હતું. પુછપરછમાં ગેરકાયદે રીતે ગેસ વાપરતાં હોવાનું સ્વિકાર્યું હતું. આરોપીઓએ કુલ રૂ.૪૪.૫૨ લાખનાં ગેસની ચોરી કર્યાનું ખુલતાં ફરિયાદ નોંધાવી હતી.
આ રીતે ગેસ ચોરીને કારણે જો પાઇપલાઇનમાં બ્લાસ્ટ થાય તો માણસની જીંદગી જોખમાય શકે છે. એટલું જ નહીં મોટી દુર્ઘટના પણ સર્જાઇ શકે છે તેવું જાણતાં હોવા છતાં આરોપીઓ ગેસની ચોરી કરતાં હતા.



