गुजरात

ધારાસભ્યનો હથોડો પડ્યો, પણ 2 કરોડ ‘પાણી’માં ગયા પછી! મહેમદાવાદમાં કેનાલના કામમાં ભ્રષ્ટાચાર પર વિવાદ | Corruption in Mahemdavad’s Mahi Irrigation Canal MLA Arjun Singh Chauhan On Spot



Corruption In Mahemdavad’s Mahi Irrigation Canal: રાજકારણમાં જ્યારે ભ્રષ્ટાચારની પોલ ખોલવાની હોય ત્યારે નેતાઓ અવારનવાર ‘એક્શન મોડ’માં જોવા મળતા હોય છે. આવો જ એક નજારો મહેમદાવાદમાં જોવા મળ્યો, જ્યાં પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ હાથમાં હથોડો લઈને કેનાલની ગુણવત્તા ચેક કરવા ઉતરી પડ્યા. જોકે, આ એક્શન બાદ હવે જનતામાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

શું છે સમગ્ર ઘટના?

ખેડાના મહેમદાવાદમાં મહી સિંચાઈ માઇનોર કેનાલનું નિર્માણ અંદાજે રૂ. 2 કરોડના માતબર ખર્ચે કરવામાં આવ્યું છે. આ કેનાલના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો ઉઠતા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ખેડૂતોની હાજરીમાં સ્થળ તપાસ કરવા પહોંચ્યા હતા. ધારાસભ્યએ જ્યારે હથોડો મારીને કેનાલનું સ્તર ચેક કર્યું, ત્યારે નબળા બાંધકામની પોલ મિનિટોમાં જ ખુલ્લી પડી ગઈ હતી. સિમેન્ટ અને કોંક્રિટના પોપડા ઉખડતા જોઈ ધારાસભ્યએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને આડે હાથ લીધા હતા.

ધારાસભ્યની ‘હથોડા સ્ટાઈલ’ સામે ઉઠતા સવાલો

ધારાસભ્યએ સ્થળ પર જઈને ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો તે બાબત પ્રસંશનીય હોઈ શકે, પરંતુ અહીં સિક્કાની બીજી બાજુ પણ છે જેની ચર્ચા પણ મહેમદાવાદમાં થઈ રહી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, જ્યારે 2 કરોડ રૂપિયાના ખર્ચે સરકારી કામ ચાલતું હોય ત્યારે સ્થાનિક તંત્ર અને લોકપ્રતિનિધિઓની નજર ક્યાં હતી? કેનાલ બનીને તૈયાર થઈ ગઈ અને પેમેન્ટના તબક્કા પૂરા થઈ ગયા બાદ હવે હથોડા મારવાનો શું અર્થ?

શું અધિકારીઓની મિલીભગત હતી?  2 કરોડની રિકવરી કોણ કરશે?

સરકારી કામમાં લોટ, પાણીને લાકડા જેવી નીતિ ત્યારે જ અપનાવાય જ્યારે ઉપરથી નીચે સુધી બધું ‘સેટ’ હોય. ધારાસભ્ય પોતે અગાઉ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે, તો શું તેમના મતવિસ્તારમાં તેમની જાણ બહાર આટલો મોટો ભ્રષ્ટાચાર શક્ય છે? હથોડો મારવાથી નબળું કામ તો દેખાઈ ગયું, પણ જે રકમ પાણીમાં ગઈ છે તેની વસૂલાત કોન્ટ્રાક્ટર પાસેથી થશે કે પછી હંમેશની જેમ માત્ર નોટિસ આપીને મામલો ઠંડો પાડી દેવાશે?

આ પણ વાંચો: છોટાઉદેપુર: બોડેલીમાં મગનું નકલી બિયારણ પધરાવાયું હોવાનો ખેડૂતોનો આક્ષેપ, સરકાર પાસે નિષ્પક્ષ તપાસની માગ

માત્ર એક્શન કે પછી ઠોસ કાર્યવાહી?

અર્જુનસિંહ ચૌહાણે સંકેત આપ્યા છે કે નબળું કામ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ખેડૂતોના હકના પૈસાનો દુરુપયોગ ચલાવી લેવાશે નહીં. પરંતુ, જનતા હવે એ જોવા માંગે છે કે શું આ અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો ખરેખર જેલના સળિયા પાછળ જશે કે પછી આ માત્ર આગામી ચૂંટણીઓ કે લોકપ્રિયતા મેળવવાનો એક ‘સ્ટંટ’ માત્ર બનીને રહી જશે?

ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનનારી કેનાલ અત્યારે ભ્રષ્ટાચારના પ્રતીક સમાન બની ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર આ મામલે તપાસના આદેશ આપે છે કે પછી ‘હથોડાની વાહવાહી’માં ભ્રષ્ટાચારનો અસલી ચહેરો દબાઈ જાય છે.



Source link

Related Articles

Back to top button