મહત્તમ તાપમાનમાં વધારો થતા અમદાવાદમાં પાણીજન્ય રોગના ૮૦૦થી વધુ કેસ ,લોકો ત્રાહિમામ | As the maximum temperature increases

![]()
અમદાવાદ,સોમવાર,4 મે,2026
અમદાવાદના મહત્તમ તાપમાનમાં વધારો થવાની સાથે શહેરમા ઝાડા
ઉલટી સહિતના પાણીજન્ય રોગના કેસમાં સતત વધારો થઈ રહયો છે.છેલ્લા એક મહિનામા ઝાડા
ઉલટીના ૬૪૨, ટાઈફોઈડના
૧૫૫ અને કમળાના ૫૫ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ખાનગી પ્રેકટિશનરોને ત્યાં પણ
દર્દીઓની કતાર જોવા મળી રહી છે. બહેરામપુરા,દાણીલીમડા
અને ગોમતીપુર વોર્ડમાં પ્રદૂષિત પાણીની ફરિયાદો સમયસર ઉકેલાતી નહી હોવાના કારણે
લોકોમા બીમારીના કેસ વધ્યા હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
શહેરમા પાણીજન્ય રોગ માટેના ૨૬ હોટ સ્પોટ એરીયા કોર્પોરેશન
તરફથી જાહેર કરવામા આવ્યા છે.આ સ્પોટમાથી સી.સી.આર.એસ. ઉપર કોર્પોરેશનને પ્રદૂષિત
પાણી આવવા અંગેની ફરિયાદ સતત મળતી રહે છે. આ બાબતની મ્યુનિસિપલ કમિશનરે પણ ગંભીર
નોંધ લીધી છે. કોર્પોરેશન તરફથી પીવાનુ પાણી પુરુ પાડવામા આવે છે તે પાણીના
બેકટોરીયોલોજીકલ ટેસ્ટ માટે એક મહિનામા ૭,૩૮૨
સેમ્પલ તપાસ માટે લેવામા આવ્યા હતા.જે પૈકી ૨૧ સેમ્પલ અનફીટ જાહેર કરવામા આવ્યા
હતા.કલોરીન ટેસ્ટ માટે ૫૨૪૨૦ પાણીના સેમ્પલ લેવામા આવ્યા હતા.આ પૈકી તેર સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો.



