લાલુ સિંધી ગેંગનો સાગરીત મુકેશ મખીજાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર | Five day remand of Mukesh Makhija an associate of Lalu Sindhi gang approved

![]()
વડોદરા : લાલુ સિંધીના નામથી સંગઠીત ગેંગ બનાવી દસ વર્ષમાં ૧૦૬ ગુનાઓ
આચરી હાહાકાર મચાવનારી લાલુ સિંધી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ આ
ગેંગના એક સાગરીતને પોલીસે ગઇકાલે ઝડપી પાડયો હતો. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી
તપાસ અધિકારીએ આરોપીના ૩૦ દિવસના રિમાન્ડની માંગણી કરતા અદાલતે આરોપીના તા.૫ મે
સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નંદેસરી પીઆઇએ ગઇકાલે લાલુ સિંધી સહિત કુલ ૧૨
આરોપીઓ સામે ગુજસીટોકની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ ટોળકી
છેલ્લા દસ વર્ષથી વડોદરા અને આસપાસના જિલ્લાઓમાં ખૂન, ખંડણી,
ધાડ અને વિદેશી દારૃની હેરાફેરી જેવી ૧૦૬ જેટલી ગંભીર ગુનાહિત
પ્રવૃત્તિઓ આચરી ભયનું વાતાવરણ ઉભુ કર્યું હતું.પોલીસે આ ગુનામાં મુકેશ ઉર્ફે મુકી
મખીજાનીની ધરપકડ કરી હતી.
આજે આરોપી મુકેશ મખીજાનીને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ ૩૦
દિવસના રિમાન્ડની માંગણી કરતા સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી
કે, મુકેશ અને લાલુ સિંધી ધોરણ ૫ થી ૮ માં વારસીયાની શાળામાં સાથે ભણતા હતા
અને નાનપણના મિત્રો છે. મુકેશ વર્ષ ૨૦૧૬ થી આ ગેંગમાં સક્રિય છે અને તેની વિરુદ્ધ
છેલ્લા ૧૦ વર્ષમાં પ્રોહિબિશન અને છેતરપિંડી સહિતના કુલ ૨૨ ગુનાઓ નોંધાયેલા છે અને
તેને બે વખત પાસા કરવામાં આવેલી છે.
આ ગેંગ દ્વારા દારૃના ગેરકાયદે વેપાર અને કાળા નાણાં દ્વારા
મોટી મિલકતો વસાવવામાં આવી હોવાની સંભાવના છે. મુકેશ મખીજાની માંજલપુરમાં પંજાબી
જાયકાદ નામની હોટલ ચલાવે છે, જેની પાછળ આર્થિક સ્ત્રોત શું છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવાની છે. આ
ઉપરાંત તેના રહેણાંક મકાનની જડતી લેવી અને ગેંગના આર્થિક વ્યવહારોની કડીઓ મેળવવી
જરૃરી છે.
આરોપી લાલુ સિંધીની સૂચના મુજબ દમણના ગિરીશ બારમાંથી દારૃનો
જથ્થો મંગાવતો હતો અને વડોદરાના વારસીયા સહિતના વિસ્તારોમાં અલગ-અલગ વાહનોમાં
તેનું લોડિંગ કરતો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય વોન્ટેડ આરોપીઓ અને પડદા પાછળ
રહી મદદ કરનારા શખ્સોની માહિતી મેળવવા માટે મુકેશની હાજરી અનિવાર્ય છે. ગેંગની
મોડસ ઓપરેન્ડી અને દારૃના નેટવર્કને ખુલ્લું પાડવા પોલીસે વૈજ્ઞાાનિક ઢબે તપાસ હાથ
ધરી છે.ન્યાયાધીશે આરોપીના તા.૮મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.



