બાઇકસવારે ટક્કર મારતા મોપેડ સવાર સીનિઅર સિટિઝનનું મોત | Senior citizen dies after being hit by bike while riding moped

![]()
વડોદરા,સોમા તળાવ પાસે મોપેડ લઇને જતા સીનિઅર સિટિઝનને ટક્કર મારીને બાઇક ચાલક ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત સીનિઅર સિટિઝનનું સારવાર દરમિયાન મોત થયું છે. ભાગી ગયેલા બાઇક ચાલકની પોલીસે શોધખોળ શરૃ કરી છે. હાઇવે પર જાંબુવા પાસે રોડ ક્રોસ કરતા શખ્સને ટક્કર મારીને કારચાલક ભાગી ગયો હતો.
તરસાલી રેવાપાર્ક સોસાયટીમાં રહેતા ૬૮ વર્ષના બળદેવભાઇ પુજાભાઇ વણકર કોર્પોરેશનની સ્ટ્રીટ વિભાગમાં નોકરી કરતા નિવૃત્ત થયા હતા. હાલમાં તેઓ પુત્ર કમલેશ સાથે વાઘોડિયા ડભોઇ રિંગરોડ પર દુકાનમાં પી.યુ.સી.નું કામ કરે છે. ગઇકાલે બળદેવભાઇ નજીકમાં આવેલા એ.ટી.એમ.માં પેૈસા ઉપાડવા ગયા હતા.ત્યાંથી તેઓ મોપેડ લઇને પરત આવતા હતા. તે દરમિયાન સોમા તળાવ નજીકના પેટ્રોલપંપ પાસે મોપેડને ટક્કર મારીને બાઇકચાલક ભાગી ગયો હતો. બળદેવભાઇને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. મોંઢે કાળા કલરનું માસ્ક પહેરીને અકસ્માત કરીને ભાગી ગયેલા બાઇકચાલકની સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, મહારાષ્ટ્રના રાયગઢના વેસ્ટર્ન ગ્લાસ કોલોનીમાં રહેતો વિશાલ ચંદ્રકાંતભાઇ કદમ ક્લિનર તરીકે વડોદરાની ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરતો હતો. ગઇકાલે રાત્રે તે હાઇવે પર જાંબુવા નજીક રોડ ક્રોસ કરતો હતો. તે દરમિયાન કારચાલક તેને ટક્કર મારીને ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત ક્લિનરનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.



