વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ-1માં મોટો ઉલટફેર : કોંગ્રેસનો ગઢ તૂટ્યો | Major reversal in Ward 1 in Vadodara Municipal Corporation elections: Congress stronghold broken

![]()
Vadodara Corporation Elections : વર્ષ 2026ની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં ચોંકાવનારો ઉલટફેર જોવા મળ્યો છે. 2021માં જ્યાં કોંગ્રેસનો ક્લીન સ્વીપ હતો, ત્યાં આ વખતે ચિત્ર સંપૂર્ણ બદલાઈ ગયું છે. કોંગ્રેસની પેનલમાં ભંગાણ સર્જાતા પક્ષને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે.
આ ચૂંટણીમાં બે બેઠક ભાજપ ના ફાળે ગઈ છે, જ્યારે એક બેઠક કોંગ્રેસ અને એક બેઠક અપક્ષ ઉમેદવારના ખાતામાં ગઈ છે. આમ, કોંગ્રેસને ત્રણ બેઠકો ગુમાવતા મોટો રાજકીય ઝટકો લાગ્યો છે.
વોર્ડમાં સૌથી ચર્ચાસ્પદ ઘટના કોંગ્રેસમાંથી બળવો કરી અપક્ષ તરીકે મેદાનમાં ઊતરેલા હરીશ પટેલનો વિજય થયો છે. તેમણે 13,372 મત મેળવી જીત હાંસલ કરી છે. બીજી તરફ કોંગ્રેસના કદાવર નેતા ગણાતા અમીબેન રાવતને 11,920 મત મળ્યા છતાં પરાજય વેઠવો પડ્યો, જેના કારણે પક્ષમાં નિરાશાનો માહોલ ફેલાયો છે.
ભાજપ તરફથી કુંદનબેન ટેલરે 12,535 મત અને ભુરસીંગ રાઠવાએ 10,106 મત મેળવી જીત નોંધાવી છે. જ્યારે કોંગ્રેસમાંથી પુષ્પાબેન વાઘેલાએ 13,341 મત મેળવી એકમાત્ર બેઠક બચાવી છે.
અન્ય ઉમેદવારોમાં કૃણાલ પટેલ (12,673), શ્વેતા શાહ (10,785), નિકુલ પટેલ (9,150) અને સોનાબેન દેસાઈ (9,242)ને પણ નોંધપાત્ર મત મળ્યા હતા, પરંતુ તેઓ જીતથી વંચિત રહ્યા.
વોર્ડ નંબર 1માં ટિકિટ વહેંચણીને લઈને સર્જાયેલા આંતરિક મતભેદો કોંગ્રેસને ભારે પડ્યા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.


