દાઉદના ખાસ ‘ડોલા’ને તૂર્કિયેથી પકડીને ભારત લવાયો, 5000 કરોડના ડ્રગ્સ નેટવર્કનો છે માસ્ટરમાઈન્ડ | Dawood Aide Salim Dola Deported from Turkey: Mastermind of ₹5000 Crore Drug Network in IB Custody

![]()
Underworld Don Salim Dola : ભારતના ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)એ સૌથી મહત્ત્વનું ઓપરેશન પાર પાડ્યા બાદ ડૉન દાઉદ ઈબ્રાહિમના ખાસ સલીમ ડોલાને ભારત લવાયો છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સનો કારોબાર ચલાવતા અને 5000 કરોડના ડ્રગ્સ નેટવર્કનો માસ્ટર માઈન્ડ સલીમની તૂર્કિયેના ઇસ્તંબુલમાંથી ધરપકડ કરાયા બાદ વિશેષ વિમાનથી દિલ્હી એરપોર્ટ લવાયો હતો. અહીં આઈબીએ તેની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે. પછી તેને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવશે.
કુખ્યાત ડ્રગ્સ માફિયા વિરુદ્ધ IB બાદ ED પણ કરશે કાર્યવાહી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ કુખ્યાત ડ્રગ્સ માફિયા સલીમ ડોલાની પૂછપરછ કરશે, તેના વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ પણ નોંધાયેલો છે. ઈડીએ મની લોન્ડ્રિંગ મામલે ઓક્ટોબરમાં 8 ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. ઈડીએ ડ્રગ્સ કારોબારમાં સામેલ ફેસલ જાવેદ શેખ અને અલ્ફિયા ફેસલની કાળી કમાણીની તપાસ કરવા માટે આ દરોડા પાડ્યા હતા. ત્યારે તપાસમાં ખુલાસો થયો હતો કે, જાવેદ અને અલ્ફિયા સલીમ ડોલા પાસેથી ડ્રગ્સ ખરીદતા હતા. ડોલા પર ડ્રગ્સ તસ્કરીનો અને ગેરકાયદે નેટવર્કમાં ફન્ડિંગ કરવાનો ગંભીર આરોપ છે.
એટલું જ નહીં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ સલીમ ડોલાની ધરપકડ પર ઈનામ જાહેર કરેલું છે. હાલ ઈડી અને એનસીબીએ ડ્રગ્સ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
સલીમ ડોલા કોણ છે?
મુંબઈના અંડરવર્લ્ડ અને ડ્રગ્સ તસ્કરીની દુનિયામાં કુખ્યાત નામ ધરાવતો સલીમ ડોલાનો જન્મ 1960માં ભાયખલામાં થયો હતો. શરૂઆતમાં સામાન્ય ગુના આચર્યા બાદ તે નશાના કારોબારમાં આગળ વધતો ગયો અને ડ્રગ ડૉન બની ગયો હતો.
સલીમ દાઉદના ખાસ ડી-કંપનીના મહત્ત્વના સભ્ય છોટા શકીલ સાથે પણ સંબંધો ધરાવે છે. શરૂઆતમાં ગાંજાની સપ્લાય કરતા સલીમની મુલાકાત શકીલ સાથે થઈ હતી. પછી સલીમ અપરાધની દુનિયામાં એવો આગળ વધ્યો કે, પાછળ વળીને જોયું નહીં.
શકીલે સલીમને મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગાંજો સપ્લાય કરવાની જવાબદારી સોંપી હતી. પછી તેને મોટાપાયે ડ્રગ્સ તસ્કરીનું કામ સોંપાયું. 1993માં મુંબઈ બોંબ ધડાકા બાદ દાઉદ અને શકીલ દેશ છોડીને ફરાર થઈ ગયા હતા. પછી સલીમ ડોલા જ ભારતમાં તેઓનું ડ્રગ્સ નેટવર્ક સંભાળતો હતો.
સલીમે મુંબઈ, સૂરત સહિત દેશના અનેક રાજ્યોમાં પોતાનું નેટવર્ક વધાર્યું અને MD (મેફેડ્રોન) કારોબારથી અઢળક કમાણી કરી. તેની વર્ષ 2012માં MD ડ્રગ્સ તસ્કરી મામલે ધરપકડ કરાયા બાદ પાંચ વર્ષ સુધી જેલમાં રહ્યો હતો. જોકે જામીન પર છુટતા જ તેણે ફરી ગેરકાયદે કારોબાર શરૂ કરી દીધો હતો.
ત્યારપછી 2018માં મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી હતી. થોડા મહિનાઓ બાદ તેને જામીન મળતા તે દેશ છોડીને યુએઈ ભાગી ગયો હતો અને તેણે ત્યાંથી ડ્રગ્સ નેટવર્ક શરૂ કરી દીધું હતું. સલીમ ડોલા વિરુદ્ધ મુંબઈમાં 10થી વધુ ડ્રગ્સ તસ્કરીના કેસ નોંધાયેલા છે. આમાં લગભગ 250 કરોડ રૂપિયાના MD ડ્રગ્સનો મામલો પણ સામેલ છે.



