गुजरात

સુરતની SBI બ્રાન્ચમાં પિસ્તોલની અણીએ સ્ટાફ-ગ્રાહકોને બંધક બનાવી રૂ.૫૨ લાખની લૂંટ | Staff and customers held hostage at gunpoint in SBI branch in Surat looted Rs 52 lakh



– ગુજરાતમાં હવે ધોળે દિવસે બેન્કો લુંટાય છે !!

– વરાછા બ્રાન્ચમાં પાંચ લૂંટારું કેશિયર પાસેથી રૂ.૧૨ લાખ લૂંટતા હતા ત્યારે જ કેશ લોડીંગ વેન રૂ.૪૦ લાખ લઇને આવતા તમામ રકમ લૂંટી બાઇક પર ફરાર

– લૂંટારું હિન્દીભાષી, વિમલના થેલામાં રોકડા ભર્યા 

– સ્ટાફ-ગ્રાહકોના કબજે લીધેલા ફોન રસ્તામાં ફેંકી દીધા

સુરત : સુરતના લંબે હનુમાન રોડ એફિલ ટાવર નજીક શ્રી શક્તિ ટાવરમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં આજે બપોરે પૂર્વ તૈયારી સાથે ત્રાટકેલા પાંચ હિન્દીભાષી લૂંટારુઓએ પિસ્તોલની અણીએ સ્ટાફ અને ગ્રાહકોને બંધક બનાવી રૂ.૫૨ લાખની લૂંટ કરી હતી અને પૈસા વિમલના થેલામાં ભરીને સ્ટાફના મોબાઈલ ફોન પણ લઈને જે બાઈક ઉપર આવ્યા હતા તે લઈને કામરેજ તરફ ભાગી છૂટયા હતા. તેમણે જુદાજુદા સ્થળે સ્ટાફના મોબાઈલ ફોન ફેંકી દીધા હતા.બનાવની જાણ થતા વરાછા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

લંબે હનુમાન રોડ એફિલ ટાવર નજીક શ્રી શક્તિ ટાવરના પહેલા માળે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની લંબે હનુમાન રોડ બ્રાન્ચ આવેલી છે.ભરચક ગણાતા આ વિસ્તારમાં હાલ મેટ્રોનું કામ ચાલતું હોય જેને બેન્કનું કામ હોય તેવા ગણતરીના લોકો જ હાલ બેંકમાં આવે છે.દરમિયાન, આજે બપોરે બે વાગ્યાના અરસામાં બેન્કનો સ્ટાફ તેમની કામગીરી કરી રહ્યો હતો ત્યારે પાંચ યુવાનો ત્યાં આવ્યા હતા.તે પૈકી કેટલાકે પાછળ કોલેજ બેગ જેવી બેગ ભેરવી હતી અને એક પાસે વિમલનો થેલો હતો.હિન્દીભાષા બોલતા આ યુવાનોએ પિસ્તોલ કાઢીને મહિલાઓ સહિતના સ્ટાફ અને ગ્રાહકોને બાનમાં લેવાનું શરૂ કર્યું હતું અને તેમને એક તરફ લઈ જઈ કેશિયર પાસેથી રૂ.૧૨ લાખ લૂંટયા હતા.તેઓ ત્યાંથી ભાગવાની તૈયારી કરતા હતા તે સમયે જ બેંકમાં કેશ ડિપોઝીટ કરતી વેન પૈસા ભરેલું બોક્સ લઈને આવતા તેને પણ બંધક બનાવી તેમાંથી બીજા રૂ.૪૦ લાખ મળી કુલ રૂ.૫૨ લાખની મત્તાની લૂંટ કરી હતી અને પૈસા વિમલના થેલા અને બેગમાં ભરી તેમજ સ્ટાફ અને ગ્રાહકોના મોબાઈલ ફોન લઈ ફરાર થઇ ગયા હતા.

લૂંટારુઓએ લૂંટ કરતા પહેલા ઇમરજન્સી બેલ અને સાયરનના વાયર કાપી નાખ્યા હોય તેમજ મોબાઈલ ફોન પણ લઈ ગયા હોય સ્ટાફે બનાવ અંગે યેનકેન રીતે પોલીસ અને બેન્કના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.રૂ.૫૨ લાખની લૂંટની જાણ થતા વરાછા પોલીસ, ડીસીપી ઝોન ૧ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.પોલીસે બેન્કના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં તમામ લૂંટારુઓ સ્પષ્ષ્ટ નજરે ચઢતા હતા.કોઈપણ પ્રકારના ડર વિના લૂંટને અંજામ આપનાર લૂંટારુઓ જે બાઈક ઉપર આવ્યા હતા તે બાઈક ઉપર જ કામરેજ તરફ ભાગ્યા હતા અને રસ્તામાં જુદાજુદા સ્થળે સ્ટાફના મોબાઈલ ફોન તેમણે રસ્તામાં ફેંક્યા હતા.જે બાદમાં પોલીસને મળ્યા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટારુઓ પાંચ જ હતા.પરંતુ પોલીસ તેમની સંખ્યા વધુ હોવાનું પણ માની રહી છે.હાલ પોલીસે આ અંગે ગુનો નોંધવા અને લૂંટારૂઓને ઝડપી પાડવા નાકાબંધી કરીને સીસીટીવી ફુટેજને ચેક કરવાની કામગીરી શરૂ કરી છે.

મેટ્રોના કામને લીધી બેંકમાં અવરજવર ઓછી હોય છે તેની અગાઉથી જ રેકી કરી હોવાની આશંકા 

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની લંબે હનુમાન રોડ બ્રાન્ચ નજીક હાલ મેટ્રોનું કામ ચાલુ હોય આ વિસ્તાર ભરચક હોવા છતાં અહીં ઓછી અવરજવર રહે છે.બેન્કનું કામ જરૂરી હોય તેટલા જ લોકો બ્રાન્ચમાં આવતા હોય ગ્રાહકોની પણ ઓછી અવરજવર અંગે લૂંટારૂઓએ અગાઉથી રેકી કરી હોવાની આશંકા છે.



Source link

Related Articles

Back to top button