ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોસ્ટર વિવાદ, રાજકોટ અને અમદાવાદમાં ‘આપ’ના વિવાદાસ્પદ બેનરોના કારણે રાજકારણ ગરમાયું | Controversial AAP War Ignites Ahead of Gujarat Local Body Elections

![]()
Gujarat Local Body Elections: રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના ગણતરીના કલાકો પહેલા જ શહેરમાં અનેક જગ્યાએ આમ આદમી પાર્ટીના વિવાદાસ્પદ પોસ્ટરો જોવા મળતા રાજકીય માહોલ ગરમાયો છે. આ પોસ્ટરોમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ચૂંટણીના મતદાન પહેલા જ આ પ્રકારના પોસ્ટરો વાયરલ થતા વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે. આ ઘટનાને પગલે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે, જેના કારણે રાજકોટના રાજકારણમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
અમદાવાદમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આક્રમક ‘પોસ્ટર વોર’ જોવા મળી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા ભડકાવ અને વિવાદાસ્પદ પોસ્ટરોએ વિવાદ સર્જ્યો છે. આ પોસ્ટરોમાં જ્ઞાતિ-જાતિ અને ધાર્મિક લાગણીઓને સ્પર્શતા લખાણો હોવાથી સ્થાનિક રાજકારણમાં મોટો ફાટો પડ્યો છે. ભાજપ દ્વારા આ પોસ્ટરોને હીન કક્ષાની રાજનીતિ ગણાવવામાં આવી છે, જ્યારે બીજી તરફ ચૂંટણીના ગણતરીના કલાકો બાકી હોવાથી આ પ્રકારની પોસ્ટરબાજીએ મતદારોના મન પર અસર પાડવાનો પ્રયાસ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ સમગ્ર વિવાદ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ પ્રકારના પોસ્ટરો પાછળ વિરોધીઓનું કાવતરું હોઈ શકે છે અને ‘આપ’ની છબી ખરડવાનો આ પ્રયાસ છે. સાગર રબારીએ મીડિયા સાથેની વાતચીતમાં આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષ પોતાની હાર ભાળી રહ્યો હોવાથી આવા ગતકડાં કરી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આમ આદમી પાર્ટી વિકાસ અને શિક્ષણના મુદ્દે ચૂંટણી લડી રહી છે અને આવા નકારાત્મક પ્રચારથી જનતા ભરમાશે નહીં. આમ, સાગર રબારીના નિવેદન બાદ આ પોસ્ટર વિવાદે નવો વળાંક લીધો છે.



