‘ટ્રમ્પને લોકશાહી નહીં, માત્ર ઓઇલમાં રસ’, હોર્મુઝમાં તણાવ વચ્ચે ચીનની કંપનીઓ પર પ્રતિબંધથી રશિયા નારાજ | Russia Slams US Over Oil Interests: Sergey Lavrov Warns of Attacks on Iran and Global Instability

![]()
Russia Slams US Over Oil Interests : રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે અમેરિકા પર સીધો અને મોટો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે અમેરિકા વિશ્વના અનેક દેશોમાં જે દખલગીરી કરે છે, તેની પાછળનું અસલી કારણ ઓઇલ અને પોતાનો ફાયદો છે. એક ઈન્ટરવ્યુમાં લાવરોવે કહ્યું કે અમેરિકા પોતે પણ સ્વીકારે છે કે તેને કોઈની નહીં, માત્ર પોતાના હિતોની ચિંતા છે.
ઓઇલ માટે રમાય છે આખી રમત
લાવરોવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વેનેઝુએલા અને ઈરાન જેવા દેશોમાં અમેરિકાનો રસ છુપાયેલો નથી. તેમના મતે આ દેશોમાં ઓઇલનો મોટો ભંડાર છે અને આ જ અસલી કારણ છે કે અમેરિકા ત્યાં સક્રિય રહે છે. તેમણે ઉમેર્યું કે અમેરિકા સમગ્ર વિશ્વના એનર્જી માર્કેટ પર કબજો જમાવવા માંગે છે. રશિયાના વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે અમેરિકા પોતાના ફાયદા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેમણે આરોપ લગાવ્યો કે જરૂર પડ્યે અમેરિકા તખ્તાપલટ, અપહરણ કે નેતાઓની હત્યા જેવા પગલાં પણ ભરી શકે છે, ખાસ કરીને એવા દેશોમાં જ્યાં કુદરતી સંસાધનો વધુ છે.
આ પણ વાંચો : બોમ્બ વિના ઈરાનને પાયમાલ કરવાની ટ્રમ્પની નવી સ્ટ્રેટેજી! ઓઇલના કૂવા બંધ થવાનું જોખમ
હવે કાયદો નહીં, તાકાત ચાલે છે
લાવરોવનું કહેવું છે કે આ પ્રકારની નીતિઓને કારણે વિશ્વમાં નિયમ-કાયદા નબળા પડી રહ્યા છે. તેમના મતે હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે “જેની પાસે લાકડી તેની ભેંસ” (જેની પાસે તાકાત છે તે જ સાચો) જેવો માહોલ સર્જાઈ રહ્યો છે. સર્ગેઈ લાવરોવે અમેરિકાને સલાહ પણ આપી કે જો તેને કોઈ દેશની સરકાર પસંદ ન હોય, તો ટકરાવ કરવાને બદલે વાતચીત કરવી જોઈએ. તેમનું કહેવું છે કે ઘણીવાર સંબંધો એટલા માટે બગડે છે કારણ કે અમેરિકા પોતે જ સમજૂતી કરે છે અને પછી તેમાંથી પાછળ હટી જાય છે.
ઈરાન પર હુમલાને લઈને રશિયાની ચેતવણી
આ દરમિયાન રશિયા તરફથી એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે અમેરિકા અને ઈઝરાયેલ શાંતિ વાર્તાના નામે ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરી શકે છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે ઈરાન પાસે તેનો જવાબ આપવાની પૂરી તાકાત છે.



