વાર્ષિક નિરીક્ષણની રૃબરૃ સ્થળ તપાસની 100 ટકા કામગીરી પરીપૂર્ણ કરાઇ | 100 percent of the annual inspection and on site inspection work has been completed

![]()
વર્ષો બાદ પ્રથમ વખત ૫૪૨ શાળાની ઓફલાઇન કામગીરી પૂર્ણ
જિલ્લા શિક્ષણાધિકારીએ વર્ષમાં બે વખત આઠ-આઠ કમિટીઓની રચના કરી સતત ફોલોઅપ લેવાયું હતું
ભાવનગર – ભાવનગર જિલ્લામાં ખાનગી, સરકારી અને ગ્રાન્ટ ઇન એડ હાઇસ્કૂલો દ્વારા ઓનલાઇન વાર્ષિક નિરીક્ષણ અહેવાલ સબમીટ કરાયા બાદ વિવિધ ટીમો બનાવી રૃબરૃ સ્થળ તપાસની કામગીરી કરવાની હોય છે. જે વર્ષોથી કાયમ અધુરી જ રહેતી હતી. જે આ વર્ષે ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થવા પામી છે. જો કે, આ નિરીક્ષણ દરમિયાન ૪૦ જેટલી સ્કૂલોના રિમાર્કસ નબળા હોવાનું જણાયું છે. જેની સ્કૃટીની બાદ તથ્ય સામે આવશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓને દર વર્ષે પોતાની શાળાની ભૌતિક, શૈક્ષણિક, વહિવટી સુવિધા અંગેનો વાર્ષિક અહેવાલ ઓનલાઇન પોર્ટલના માધઅયમથી મોકલવાનો હોય છે અને ત્યારબાદ આ વિગતોની ખરાઇ કરવા એજ્યુકેશન ઇન્સપેક્ટરોની ટીમ રૃબરૃ સ્થળ તપાસ કરી જરૃરી રિમાર્કસ આપતી હોય છે. પરંતુ આ પ્રક્રિયા દર વર્ષે શરૃ તો થાય છે પરંતુ કોઇને કોઇ કારણોસર અધુરી રહેવા પામે છે. છેલ્લા પાંચ વર્ષથી આ રૃબરૃ સ્થળ તપાસની કામગીરી ૬૦ થી ૪૦ ટકા પુરી થઇ જ નથી અને બાકી રહેલી શાળાઓ બાકી જ રહી જાય છે. આ વર્ષે પ્રથમ ઓનલાઇન જે-તે શાળા મારફત વાર્ષઇક નિરીક્ષણ અહેવાલની વિગતો સબમીટ થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ઇ.આઇ., એઇઆઇ, આચાર્ય સહિતની ટીમો બનાવી રૃબરૃ સ્થળ તપાસના આદેશો કર્યાં હતાં અને ગોકળ ગતિએ કામગીરી શરૃ પણ થઇ હતી. જ્યારે વડી કચેરીના કડક આદેશ છુટયા બાદ આ કામગીરીએ ગતિ પકડી હતી. જો કે, ગણતરીના દિવસોમાં ઇ.આઇ. સહિતનાની બદલીઓ થવા પામી હતી. જ્યારે કામગીરી પૂર્ણ કરવા તુર્ત જ નવી આઠ કમિટીનું ગઠન કરી ડીઇઓ દ્વારા કામગીરીની સોંપણી કરાતા અંતે ૨૩૩ ખાનગી, ૧૩૩ ગ્રાન્ટેડ અને ૧૭૬ સરકારી હાઇસ્કૂલોની મળી કુલ ૫૪૨ શાળાનું સ્થળ પર જઇ વાર્ષિક નિરીક્ષણ કાર્ય પ્રથમ વખત ૧૦૦ ટકા પૂર્ણ કરાયું હતું અને રિમાર્કસ સાથેના અહેવાલો સબમીટ કરાયા હોવાનું જણાયું છે.
નેગેટીવ રિમાર્કસવાળી શાળાની સ્કૃટીની પ્રક્રિયા શરૃ
વાર્ષિક નિરીક્ષણ અહેવાલના ડેટા અને રૃબરૃ સ્થળ પર નિરીક્ષણમાં ફેરફાર અથવા નિયમ વિરૃદ્ધની બાબતો પણ ઘણી શાળામાં મળી આવી હોવાનું જણાયું છે. જે અંગે હાલ સ્કૃટીની કામગીરી શરૃ હોવાનું જણાયું છે. જે પૂર્ણ થયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે અને જરૃર જણાયે નોટિસ સહિતની કાર્યવાહી કરાશે. પરંતુ આ કાર્યવાહી નવા વર્ષ પહેલા થાય તે પણ જરૃરી છે જેથી સુધારાને અવકાશ રહે.



