શહેરના બગીચાઓ સિનિયર સિટિઝન્સ ફ્રેન્ડલી નથી | gardens of vadodara are not senior citizen friendly

![]()
વડોદરાઃ વડોદરા શહેરના બગીચાઓમાં નિયમિત જનારાઓમાં એક મોટો હિસ્સો સિનિયર સિટિઝન્સનો હોય છે.નિવૃત્તિ પછીનો સમય પસાર કરવા માટે ગાર્ડન તેમના માટે આદર્શ જગ્યા છે.જોકે શહેરના બગીચાઓ સિનિયર સિટિઝન્સ ફ્રેન્ડલી નથી તેવું એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના ફેમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટની વિદ્યાર્થિનીના અભ્યાસમાં સામે આવ્યું છે. વિદ્યાર્થિનીએ સિનિયર સિટિઝન્સને ધ્યાનમાં રાખીને ગાર્ડનની ડિઝાઈન પણ તૈયાર કરી છે.
એમએસસીની વિદ્યાર્થિની ગાયત્રી તુનુગુંતલાએ વિભાગના અધ્યાપક ડો. મોના મહેતા અને કો ગાઈડ મોનિકા પડગાઓકરના હાથ નીચે શહેરના સમા, છાણી, નિઝામપુરા અને કારેલીબાગ એમ ચાર ગાર્ડનમાં રોજ જતા ૧૨૦ જેટલા વરિષ્ઠ નાગરિકોનો એક સર્વે હાથ ધર્યો હતો.
ગાયત્રી તુનુગુંતલાનું કહેવું છે કે, મોટાભાગના સિનિયર સિટિઝનોનું કહેવું હતું કે, બગીચાઓમાં પૂરતા સાઈન બોર્ડ નથી તેમજ બેસવાની વ્યવસ્થા યોગ્ય નથી.૭૨ ટકા સિનિયર સિટિઝન્સે કહ્યું હતું કે, ગાર્ડનના એન્ટ્રન્સ પર પૂરતું અજવાળું નથી.૭૨ ટકા નાગરિકોએ ગાર્ડનની અંદર પણ લાઈટિંગને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો.૬૬ ટકા નાગરિકોએ કહ્યું હતું કે, ગાર્ડનના એન્ટ્રન્સ ગેટની ડિઝાઈન યોગ્ય નથી.૭૩ ટકાએ ગાર્ડનના વોકિંગ ટ્રેક ઉબડ ખાબડ હોવાથી મુશ્કેલી પડતી હોવાનું જણાવ્યું હતું.જ્યારે ૮૪ ટકાએ બગીચાઓમાં મુકાયેલા બાંકડા છાંયડામાં નહીં હોવાનું અને તેના પર હાથ ટેકવવા માટેની જગ્યા નહીં હોવાથી મુશ્કેલી પડતી હોવાનું કહ્યું હતું.
ફર્સ્ટ એઈડ કિટની જરુર, લોન એરિયા સુધી પહોંચવા રેમ્પ હોવો જોઈએ
ર્વિદ્યાર્થિનીએ સિનિયર સિટિઝન્સને અનુકુળ આવે તેવા ગાર્ડનની તૈયાર કરેલી ડિઝાઈન મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવાનું નક્કી કર્યું છે.તેમાં તેણે સૂચવેલા ફેરફાર નીચે પ્રમાણે છે
–બગીચામાં શેડ ઉભો કરીને તેની નીચે બેઠક વ્યવસ્થા ગોઠવવી જોઈએ.બાંકડાની જગ્યાએ ખુરશીઓ પણ ગોઠવી શકાય.બાંકડા હોય તો તેના પર હાથ ટેકવવાની વ્યવસ્થા હોવી જોઈએ.
–ગાર્ડનમાં ફર્સ્ટ એઈડ કિટ અને ઈમરજન્સીમાં ક્યાં સંપર્ક કરવો તેની જાણકારી આપતા બોર્ડ હોવા જોઈએ
–લોન એરિયા સુધી પહોંચવા માટે રેમ્પની પણ જરુરિયાત
–ચારમાંથી બે ગાર્ડનમાં પાણીના નળ લીક થતા હતા.એકમાં પાણી આવતું નહોતું.નળની ઉંચાઈ સિનિયર સિટિઝન્સને અનુકુળ આવે તેવી નથી.તેમાં ઘટાડો થવો જોઈએ.
–વ્હીલચેરની પણ વ્યવસ્થા હોવી જોઈએ
–બેસવાની જગ્યાએ લપસી પડાય તેવું ફ્લોરિંગ કરવામાં આવે



