કુરાલીમાં પાંચ દિવસ પહેલા ગુમ વૃધ્ધની હત્યા થયેલી લાશ કોથળામાંથી મળતા ચકચાર | old man curder in kurali

![]()
કરજણ તા.૨૩ કરજણ તાલુકાના કુરાલી ગામેથી પાંચ દિવસ પહેલાં ગુમ થયેલ વૃધ્ધની લાશ કુરાલીથી કોઠાવ જતી કેનાલના રોડ પાસે ઝાડીઓમાં ફેંકેલ કોથળામાંથી વિકૃત હાલતમાં મળતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કરજણ તાલુકાના કુરાલી ગામે દરબાર ફળિયામાં રહેતાં ૬૫ વર્ષના કનકસિંહ માનસિંહ ચૌહાણ તા.૧૮ના રોજ બાઇક લઈને બહાર નિકળ્યા બાદ ઘરે પરત નહી આવતાં તેમના પુત્રએ કરજણ પોલીસ સ્ટેશને પોતાના પિતા ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનો અને પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી હતી. ત્યારે આજે કુરાલી ગામ પાસે કુરાલીથી કોઠાવ જતી નર્મદા કેનાલના રોડની નીચેના અવાવરુ ઝાડી-ઝાંખરામાંથી એક નાના કોથળામાંથી વિકૃત હાલતમાં કનકસિંહનો મૃતદેહ મળ્યો હતો.
આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે લાશનો કબજો લઈ તેને પીએમ માટે કરજણ સામુહિક આરોગ્ય હોસ્પિટલમાં ખસેડયો હતો. જયારે મરનાર પાંસઠ વર્ષીય કનકસિંહ ચૌહાણની બાઈક કરજણના ધાવટ ગામ નજીક મળી હોવાનું જાણવા મળે છે. પોલીસે કોઈ અજાણ્યા ઈસમોએ અગમ્ય કારણોસર કનકસિંહની હત્યા કરી પુરાવાનો નાશ કરવાના ઇરાદે લાશને સંતાડવા માટે કોથળામાં મૂકી અને લાશને કેનાલના રોડની નીચેના ભાગે અવાવરું જગ્યાએ ફેંકી દીધી હોવા અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


