અમરેલી: માતાની નજર સામે બે બાળકોના નદીમાં ડૂબી જવાથી મોત | Two Brothers Drown in River While Mother Was Washing Clothes in Khambha Amreli

![]()
Amreli News : અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભૂંડણી ગામે આજે(17 એપ્રિલ) એક હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે. જેમાં નદી કિનારે કપડાં ધોવા ગયેલી માતાની નજર સામે જ તેના બે પુત્રો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં મોતને ભેટ્યા છે. નદીમાં ડૂબી જવાથી બે બાળકોના કરુણ મોતથી સમગ્ર પંથકમાં માતમ છવાયો છે.
બનાવની વિગતો મુજબ, ભૂંડણી ગામે રહેતા નાજાભાઈ મહીડાના પત્ની નદી કાંઠે કપડાં ધોવા માટે ગયા હતા, ત્યારે તેમની સાથે ચિરાગ સમાન રુદ્ર (ઉં.વ. 10) અને પાર્થ (ઉં.વ. 8) નામના બંને બાળકો પણ આવ્યા હતા. જેમાં માતા કિનારે કપડાં ધોવામાં વ્યસ્ત હતી, ત્યારે બંને ભાઈઓ નદીના પાણીમાં રમતા હતા.
આ દરમિયાન રમતા-રમતા અચાનક બંને બાળકો ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા. પુત્રોને ડૂબતા જોઈ માતાએ આક્રંદ સાથે બૂમાબૂમ કરી મૂકતા આસપાસના સ્થાનિકો અને તરવૈયાઓ તુરંત દોડી આવ્યા હતા.
ભારે જહેમત બાદ ગ્રામજનોએ બંને બાળકોને પાણીની બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે રાજુલાની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કરતા હોસ્પિટલ પરિસર પરિવારના કરુણ રુદનથી ગુંજી ઉઠ્યું હતું.



