રાજકોટમાં કોંગ્રેસના બધા ઉમેદવારો અકબંધ રહેતા નેતાઓને હાશકારો | All Congress candidates in Rajkot remain intact cheers to the leaders

![]()
મનપાની તમામ 72 બેઠકોમાં હવે ભાજપ- કોંગ્રેસ વચ્ચે સીધો જંગ : ભાજપે ફોર્મ પરત ખેંચાવવા સામ, દામ, દંડ, ભેદના બધા જ પ્રયાસો કર્યા પણ હવે સૌ અન્યાય-અસત્ય સામે સૌ લડવાના મૂડમાં-કોંગ્રેસ
રાજકોટ, : રાજકોટ મહાનગરપાલિકાની તા. 26 એપ્રિલ 2026ના યોજાનાર ચૂંટણીના ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચવાના આજે અંતિમ દિવસે પ્રથમવાર કોંગ્રેસના તમામ 18 વોર્ડની 72 બેઠકો પરના 72 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા બાદ ચૂંટણી જંગમાં અકબંધ રહેતા કોંગ્રેસ નેતાગીરીએ રાહતનો શ્વાસ લીધો હતો. હવે મનપાની તમામ બેઠકો ઉપર કોંગ્રેસ-ભાજપના ઉમેદવારો છે અને બન્ને વચ્ચે દાયકાઓથી સીધો જંગ થતો આવ્યો છે ત્યારે રસાકસીભર્યા જંગના અણસાર મળ્યા છે.
ભૂતકાળમાં ઈ.સ. 2021ની ચૂંટણીમાં કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું અને એકનો મેન્ડેટ જ કોરો નીકળ્યો તો વોર્ડ નં. 13ના કોંગ્રેસના કોર્પોરેટરે પક્ષપલ્ટો કરતા આવેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જંગમાંથી જ હટી ગયા હતા. આવા બનાવોથી બોધપાઠ લઈને આ વખતે કોંગ્રેસે 18 જેટલા ઉમેદવારોને અજ્ઞાાતવાસમાં લઈ જવા સાથે બાકીના ઉમેદવારો ઉપર સતત નજર રાખી હતી. કોંગ્રેસે એક તરફ ધમકી આપનારા સામે એવી જ સ્ટાઈલથી લડવાની અને કોઈ ફોર્મ પાછું ખેંચે તો તેમને પણ નહીં છોડવાની તૈયારી કરી હતી. સિનિયર નેતા ડો.હેમાંગ વસાવડા અને શહેર પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસના એકલ-દોકલ ફોર્મ પરત ખેંચાવીને કોંગ્રેસનું મોરલ તોડવાની ભાજપની રાજ્યભરમાં ચાલબાજી રહી છે, પરંતુ, આ વખતે તે અહીં સફળ થઈ નથી. અમે છેક સુધી લડત આપીશું.
બીજી તરફ, દરેક ચૂંટણી ટાણે પક્ષપલ્ટાને ખુલ્લેઆમ સમર્થન આપીને પ્રતિસ્પર્ધીને ચૂંટણી પહેલા પછડાટ આપવાની કુટનીતિ અપનાવતા ભાજપને રાજકોટમાં આ વખતે માત્ર વોર્ડ નં. 13માં અપક્ષનુ ફોર્મ પોતાની તરફેણમાં પાછું ખેચાવેલ છે તથા વોર્ડ નં. 15માં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો ટેકો મેળવી ફોર્મ પરત ખેંચાવ્યું છે પરંતુ, ત્યાં કોંગ્રેસ સાથે સીધો જંગ છે. જ્યારે વોર્ડ નં.2, 3, 7, 9, 10, 13, 14, 16, 17 માં ટિકીટ મુદ્દે વ્યાપેલા અસંતોષ વચ્ચે ભાજપે જંગ જીતવો પડશે.



