VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ | Congress Clashes and Vandalism at Sama Mamlatdar Office Over Ward 2 Candidate In Vadodara

![]()
Vadodara News: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે વડોદરામાં વોર્ડ નંબર 11 બાદ વોર્ડ નંબર 2માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ સર્જાયું હતું. કોંગ્રેસ ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ ફોર્મ ખેંચવા પહોંચ્યા હતા, ત્યારે સમા મામલતદાર કચેરીએ હોબાળો અને તોડફોડ થઈ હતી. જેમાં કોંગ્રેસ કાર્યકરોએ કચેરીમાં તોડફોડ સાથે ધમાલ કરતાં પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તેવામાં ભાજપના નેતાઓ પણ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ, સમા મામલતદાર કચેરી ખાતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે હોબાળો થયો હતો. જેમાં કોંગ્રેસ ઉમેદવાર સાથે ભાજપ નેતા મહાવીર રાજપુરોહિત સહિત ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ભાજપ નેતાને કચેરીમાંથી બહાર કાઢવા કોંગ્રેસની માંગ કરવામાં આવી હતી. કચેરીમાં કોંગ્રેસે હોબાળો મચાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ખેંચતાણ, ટીંગાટોળીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં સમા મામલતદાર કચેરીની લિફ્ટ, જાળી અને દરવાજાની તોડફોડ કરાઈ હોવાનું જણાય છે. મહિલા પોલીસ અને કોંગ્રેસની મહિલા કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું.

