રાજ્યમાં 24 કલાકમાં 40 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ; ભાણવડમાં કાર પાણીમાં તણાઈ
અમદાવાદ : મંગળવારે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્ય માં 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટ જિલ્લાના ગોંડલ માં ચાર ઇંચ નોંધાયો છે. જ્યારે ભાવનગર તાલુકાના અને વલ્લભીપુરમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર ની વાત કરવામાં આવે તો 29 તાલુકામાં સરેરાશ એકથી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 40 તાલુકાઓમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે નવ તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. બીજી તરફ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં વરસાદને કારણે એક કાર પાણીમાં તણાઈ (સ્ટોરીના અંતમાં જુઓ વીડિયો) હોવાના સમાચાર સામે આવ્યા છે.
કાર પાણીમાં તણાઈ
દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રેટાકાલાવડ ગામ ખાતે ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે બજારોમાં પાણીની નદીઓ વહી હતી. અનરાધારા વરસાદથી પાણીના વહેણમાં એક કાર તણાઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કાર પાણીને વહેણમાં તણાઈને જઈ રહી છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા જગાવી છે.
ક્યાં કેટલો વરસાદ?
તાલુકો—— વરસાદ (mm)
ગોંડલ———- 100
વલ્લભીપુર—– 86
ભાવનગર—— 83
સાવરકુંડલા—- 82
ખંભાળિયા—– 76
ભેસાણ——– -73
માળિયા-મિયાળા– 60
ઉમરાળા——– 67
તાલાલા——– 55