ઇરાનનો અનોખો હોર્મુઝ ટાપુ, પહાડની લાલ માટી દાળ-ચાવલમાં મસાલા તરીકે વપરાય છે | Iran’s unique Hormuz Island red clay is used as a spice in dal rice

તહેરાન,14 માર્ચ,2026,શનિવાર
શું તમે કયારેય એવા પહાડ અંગે સાંભળ્યું છે જેની માટી ખોરાકમાં મસાલાની જેમ વાપરી શકાય ? દુનિયાનો એક માત્ર પર્વત ઇરાનના હોર્મુઝ આઇલેન્ડમાં આવેલો છે જેની માટીને ખાઇ શકાય છે અને તેનાથી શરીરને કોઇ જ નુકસાન થતું નથી. સ્થાનિક લોકોને મસાલાની જેમ છુટથી ઉપયોગ કરતા જોઇને મુલાકાતીઓને નવાઇ લાગે છે. ઇરાનના દરિયાકાંઠે ૮ કિમી વિસ્તારમાં પથરાયેલો હોર્મુઝ આઇલેન્ડ રંગબેરંગી જણાતો હોવાથી તેને રેઇન બો આયલેન્ડ પણ કહેવામાં આવે છે. કરોડો વર્ષ પહેલા દરિયાકાંઠે ઉથલ પાથલ સર્જાઇ તેનાથી સાગરકાંઠે મીઠાના મોટા પડ બન્યા હતા. આ પડ વચ્ચે ટકકર થઇ અને જવાળામૂખીની ધૂળ તેમાં ભળી જતા સમગ્ર ભૂભાગ રંગીન બની ગયો છે.

હોર્મુઝના લોકો દરિયાકાંઠે મળતી સાર્ડિન,કિલકા જેવી માછલીમાંથી સુરઘ નામનું ફૂડ તૈયાર કરે છે તેમાં આ લાલ ચટ્ટાક માટી નાખે છે. આ લાલ માટીનો ઉપયોગ તોમશી નામની એક સ્થાનિક રોટલી બનાવવામાં પણ થાય છે જેને લોકો પનીર સાથે માણે છે. દાળ ચાવલમાં પણ રેઇન બો આઇલેન્ડની માટીનો મસાલા તરીકે ભરપૂર ઉપયોગ થાય છે. ર્સોસ અને જામમાં પણ માટી નાખવામાં આવે છે. કેટલાક સ્થળે લાલ જ નહી સફેદ, પીળી, લીલી અને નારંગી તથા ભૂરા રંગની માટી પણ ખાવામાં વપરાય છે. જો કે સ્થાનિક લોકો કયારેય આ માટીને આખેઆખી ખાતા નથી માત્ર તેનો મસાલા તરીકે જ લે છે. લાલ ફેરિયસ ઓકસાઇડ માટીમાં ગુણકારી ખનીજ તત્વો હોય છે. અગ્નિ ચટ્ટાનોથી બનેલી આ માટીને સ્થાનિક ભાષામાં ગેલેક કહેવામાં આવે છે.

ભારતીયો તેમના ભોજનમાં મરચા. હળદર અને મરી -મસાલાનો ભરપૂર ઉપયોગ કરે છે. દેશ અને દુનિયામાં લાખો પ્રકારની ફૂડ વિવિધતા જોવા મળે છે પરંતુ કયાંક ખોરાકમાં માટી ભેળવવામાં આવતી હોય એવું તો માત્ર અહીંજ જોવા મળે છે. ભુ વિજ્ઞાનની દ્વષ્ટીએ અહીંની માટીમાં મીઠાનું પ્રમાણ પણ ઉંચું જોવા મળે છે. હોર્મુઝ આયલેન્ડની માટીની વિશેષતા વિશે જાણીને સેંકડો પ્રવાસીઓ આવે છે અને વ્યંજનોનો લૂત્ફ ઉઠાવે છે. દરિયાકાંઠે લાલ પહાડ, લાલ માટી અને પાણીના મોજા અવિસ્મરણીય દ્વષ્ય રચાય છે. માટીના લાલ રંગને જોયા કરીએ ત્યારે કોઇ મંગળ જેવા કોઇ જુદા જ ગ્રહ પર આવી ગયા હોવાનો અનુભવ થાય છે.
આ ટાપુમાં વસતા લોકો માટે માટી જ આજીવિકા માટે સૌથી મહત્વની બની છે. આ માટીંમાંથી રંગબેરંગી પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવે છે. લોકો પોતાના ઘરો અને બંગલાને કિંમતી માટીથી રંગાવે છે. કલાકારો વિશિષ્ટ પ્રકારની માટીમાંથી હસ્તકળા નિર્માણ કરે છે. પ્રવાસીઓ હોર્મુઝ માટીમાંથી તૈયાર થયેલા હસ્તકળાઓ સંભારણા તરીકે લઇ જાય છે. ડો અહેમદ નડાલિયનનું મ્યૂઝિયમ અને ગેલેરી પણ છે તેમની કળા કૃતિઓ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી છે. આ ઉપરાંત દરિયાઇ જીવોના કંકાલતંત્રનો પણ જાણકારી માટે સંગ્રહ કરવામાં આવ્યો છે. આ સ્થળ સંશોધકો અને ભૂસ્તરશાસ્ત્રીઓના ડિઝનીલેન્ડ તરીકે ઓળખાય છે. આ માટીમાંથી અંદાજે ૭૦ કરતા પણ વધુ પ્રકારના મિનરલ મળી આવે છે.

સ્થાનિક નિવાસીઓ માટે આ માટી કોઇ નવાઇની વાત નથી તેમની પ્રાચીન જીવનશૈલીનો ભાગ છે. ટાપુના પૂર્વીય કિનારા તરફ પથ્થરની કળાકૃતિઓ ૪૦૦૦ વર્ષ જુની હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન સમયથી હોર્મુઝ વ્યૂહાત્મક દ્વષ્ટીએ સુરક્ષિત બંદર ગણાય છે. સદીઓ સુધી મુખ્ય વેપારી બંદરગાહ રહયું હતું. ઇસ ૧૨૯૦ની આસપાસ જમીન માર્ગ મુસાફરી કરતી વખતે યુરોપિયન પ્રવાસી મોર્કોપોલોએ તેના પ્રવાસ વર્ણનમાં આ સ્થળનો ઉલ્લેખ કર્યો છે. ઇબ્નબતૂતા એ પણ આ સ્થળની મુલાકાત લીધી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી પ્રચાર વધવાથી માટીનું કોર્મશિયલ ધોરણે ઉત્પાદન થવા લાગ્યું છે. કારખાનાઓમાં માટીની પ્રોસેસ કરીને સિમેન્ટની થેલીઓની જેમ પેકિંગ કરવામાં આવે છે. હોર્મુઝ હાઇલેન્ડ પર માટીના વધતા જતા ખનન અને દોહનના લીધેે પર્યાવરણ સંબંધી સમસ્યાઓ શરુ થઇ છે.




