दुनिया

Explainer: અમેરિકા-ઇઝરાયલ સામેની જંગમાં ઈરાનની મિસાઈલ તાકાત કેટલી? | Iran Israel War How much missile power does Iran have



Iran – Israel War: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જંગ છેડાઈ ગઈ છે. 28 ફેબ્રુઆરી, 2026ના રોજ ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન પર હુમલા શરૂ કરી દીધા છે, જેમાં તેહરાન સહિત અનેક શહેરોને નિશાન બનાવવામાં આવ્યા છે. જવાબી કાર્યવાહીમાં ઈરાને પણ ઇઝરાયલ તરફ મિસાઈલ છોડ્યા છે. ઈરાન પર હુમલો કરવાના હેતુ છે ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામનો નાશ કરવો, તેની મિસાઈલ ક્ષમતા ખતમ કરવી અને સત્તા પરિવર્તન લાવવું. અમેરિકા અને ઇઝરાયલ આ લક્ષ્યાંકો કેવાક પાર પાડે છે એ તો સમય જ કહેશે, પણ હાલ તુરંત તો આપણે જાણીએ કે ઈરાન પાસે કેવી-કેવી મિસાઈલો છે, અને એની બેલિસ્ટિક મિસાઈલ શક્તિની તાકાત કેટલી છે.   

બેલિસ્ટિક મિસાઈલ શું છે?

બેલિસ્ટિક મિસાઈલ એ રોકેટથી સંચાલિત હથિયાર છે. લોન્ચ થયા પછી તે પ્રારંભિક તબક્કામાં માર્ગદર્શન(guided boost phase)થી ઊંચે જાય છે અને પછી ગુરુત્વાકર્ષણ આધારિત વક્ર માર્ગ (free-fall trajectory) અનુસરીને લક્ષ્ય સુધી પહોંચે છે. બેલિસ્ટિક મિસાઈલ કોઈ દેશની સૈન્ય શક્તિ અને સુરક્ષા ક્ષમતાનું મહત્ત્વપૂર્ણ પ્રતિક છે, કેમ કે તે હજારો કિલોમીટર દૂરના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે અને લોન્ચ થયા પછી ઓછા સમયમાં લક્ષ્ય સુધી પહોંચી જાય છે.

બેલિસ્ટિક મિસાઈલોના વોરહેડ 

વોરહેડ (Warhead) એટલે મિસાઈલ, રોકેટ, બોમ્બ અથવા ટોર્પિડોના આગળના ભાગમાં લગાવવામાં આવતું વિનાશક પેલોડ — એટલે કે જે ભાગ વાસ્તવમાં વિસ્ફોટ કરે છે અને નુકસાન પહોંચાડે છે તે. બેલિસ્ટિક મિસાઈલોમાં નીચે મુજબના વોરહેડ લગાવી શકાય છે.

– પરંપરાગત વિસ્ફોટકો

– રાસાયણિક અથવા જૈવિક સામગ્રી

– સંભવિત પરમાણુ વોરહેડ

આ કારણોસર બેલિસ્ટિક મિસાઈલ માત્ર સૈન્ય હથિયાર નથી, પરંતુ વ્યૂહાત્મક પ્રતિબંધક શક્તિ (deterrence) તરીકે પણ જોવામાં આવે છે.

ઈરાનના મિસાઈલ કાર્યક્રમને લીધે ફેલાઈ વૈશ્વિક ચિંતા

પશ્ચિમી દેશો માને છે કે ઈરાનનું બેલિસ્ટિક મિસાઈલ શસ્ત્રાગાર ‘મધ્ય પૂર્વની સુરક્ષા માટે પરંપરાગત સૈન્ય ખતરો છે’ તથા એ ‘પરમાણુ વોરહેડ વહન કરવાની સંભવિત વ્યવસ્થા બની શકે છે’. ઈરાન સતત કહે છે કે તેનો પરમાણુ બોમ્બ બનાવવાનો કોઈ ઇરાદો નથી, તેનો મિસાઈલ કાર્યક્રમ ફક્ત રક્ષણાત્મક હેતુ ધરાવે છે.

ઈરાન પાસે કેટલો મોટો મિસાઈલ શસ્ત્રાગાર છે?

અમેરિકાની Office of the Director of National Intelligence (ODNI – ગુપ્તચર સંકલન માટેની કેન્દ્રિય કચેરી) ના જણાવ્યા મુજબ મધ્ય-પૂર્વના બીજા કોઈપણ દેશ કરતાં ઈરાન પાસે બેલિસ્ટિક મિસાઈલનો સૌથી મોટો ભંડાર છે. ઈરાનની મિસાઈલોની મહત્તમ રેન્જ 2,000 કિલોમીટર છે, જે તેને મધ્ય-પૂર્વના તમામ દેશ, ઇઝરાયલ અને આસપાસના વ્યૂહાત્મક પ્રદેશો સુધી પહોંચવાની ક્ષમતા પ્રદાન કરે છે. 

ઈરાન તેની મિસાઈલો ભૂગર્ભમાં સાચવે છે 

ઈરાનએ પોતાની મિસાઈલો સુરક્ષિત રાખવા માટે ભૂગર્ભ સુવિધાઓ વિકસાવી છે. રાજધાની તેહરાન અને તેની આસપાસના વિસ્તાર, કરમાનશાહ, સેમનાન વિસ્તાર તથા પર્સિયન ગલ્ફ નજીકના ક્ષેત્રોમાં ઈરાને ગુપ્ત અન્ડરગ્રાઉન્ડ સુવિધાઓ ઊભી કરીને મિસાઈલો સંગ્રહિત રાખી છે. આ સ્થળોએથી મિસાઈલો સીધી લોન્ચ કરી શકાય છે.

લાંબા અંતરની મુખ્ય ઈરાની મિસાઈલો

રિવર્સ-એન્જિનિયરિંગની મદદથી ઈરાને મિસાઈલોનો સ્વદેશી વિકાસ કર્યો છે. રિવર્સ-એન્જિનિયરિંગ (Reverse Engineering) એટલે કોઈ તૈયાર મશીન, સાધન અથવા ટેક્નોલોજીને ખોલીને તેની રચના અને કાર્યપદ્ધતિ સમજીને તેના જેવી અથવા સુધારેલી આવૃત્તિ જાતે બનાવવાની પ્રક્રિયા. ઈરાને હળવા કોમ્પોઝિટ મટિરિયલનો ઉપયોગ કરીને મિસાઈલોના રેન્જમાં વધારો પણ કર્યો છે. Center for Strategic & International Studies ના અહેવાલ જણાવે છે કે, ઈરાન પાસે નીચે મુજબની મિસાઈલો છે. આ મિસાઈલો ઇઝરાયલ સુધી પહોંચી શકે છે.

– સેજ્જિલ (Sejjil) — રેન્જ – 2,000 કિમી

– ઇમાદ (Emad) — 1,700 કિમી

– ગદર (Ghadr) — 2,000 કિમી

– શહાબ-3 (Shahab-3) — 1,300 કિમી

– ખોરમશહર (Khorramshahr) — 2,000 કિમી

– હોવેયઝેહ (Hoveyzeh) — 1,350 કિમી

– આ ઉપરાંત ઈરાન પાસે ‘શહાબ-1’ (Shahab-1 — 300 કિમી) અને ‘ઝોલ્ફાઘર’ (Zolfaghar — 700 કિમી) જેવી ટૂંકા અને મધ્યમ અંતરની મિસાઈલો પણ છે. 

ઈરાન પાસે હાઇપરસોનિક મિસાઈલ પણ છે

હાઇપરસોનિક મિસાઈલ (Hypersonic Missile) એટલે એવી અતિઝડપી મિસાઈલ જે અવાજની ગતિ કરતાં ઓછામાં ઓછું 5 ગણું વધુ ઝડપે ઉડે. જૂન, 2023માં ઈરાને તેની પ્રથમ હાઇપરસોનિક મિસાઈલ વિકસાવી હોવાની જાહેર કરી હતી. નીચી ઊંચાઈએ અત્યંત તેજ ગતિથી ઉડતી હોવાથી અને વારંવાર માર્ગ બદલતી હોવાથી હાઇપરસોનિક મિસાઈલને અટકાવવી મુશ્કેલ હોય છે. 

વિદેશી ટેકનોલોજીનો પ્રભાવ

વિશ્લેષકો કહે છે કે ઈરાનના મિસાઈલ કાર્યક્રમ પર ઉત્તર કોરિયાની મિસાઈલોની ડિઝાઇન અને રશિયાની ટેકનિકનો પ્રભાવ છે. ઈરાનને ચીનની મદદ મળતી હોવાનું પણ કહેવાય છે. 

ક્રુઝ મિસાઈલ અને અન્ય ક્ષમતાઓ

ઈરાન પાસે ક્રુઝ મિસાઈલો પણ છે. Kh-55 (મૂળ સોવિયેત ડિઝાઇન) આધારિત આ મિસાઈલોની રેન્જ 3,000 કિમીની છે અને તે પરમાણુ શસ્ત્રો વહન કરવાની ક્ષમતા ધરાવે છે. ક્રુઝ મિસાઈલો બેલિસ્ટિક કરતાં વધુ નીચી ઊંચાઈએ અને વધુ ચોકસાઇથી ઉડે છે.

ઈરાન મિસાઈલ ક્યારે ઉપયોગ કરે છે?

તાજેતરના વર્ષોમાં અનેક પ્રસંગોએ ઈરાને મિસાઈલોનો ઉપયોગ કર્યો હોવાથી અમેરિકા-ઇઝરાયલ સહિત એમના સાથી દેશોને ઈરાનની વધતી મિસાઈલ શક્તિની ચિંતા થઈ રહી છે.

– ઇઝરાયલ સાથે 12 દિવસનું યુદ્ધ, જૂન 2025

– કતારમાં US Al Udeid એરબેઝ પર હુમલો, જૂન 2025

– ઈરાકના કુર્દીસ્તાન વિસ્તારમાં હુમલો, જાન્યુઆરી 2024

– સીરિયામાં ISIS લક્ષ્યો પર હુમલો, જાન્યુઆરી 2024

– પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો, જાન્યુઆરી 2024

– જનરલ કાસિમ સુલેમાનીના મૃત્યુ બાદ પ્રતિશોધ લેવા ઇરાક સ્થિત અમેરિકી દળો પર હુમલો, જાન્યુઆરી 2020

– સાઉદી અરેબિયાની તેલ સુવિધાઓ પર હુમલો, સપ્ટેમ્બર 2019

આ પણ વાંચો: અમેરિકા-ઈઝરાયલ-ઈરાન મહાયુદ્ધની તમામ લાઈવ અપડેટ્સ

ઈરાનને હંફાવવા ગયેલા અમેરિકન એરક્રાફ્ટની ક્ષમતા કેવી છે?

ઈરાનને હંફાવવા માટે અરબ સાગરમાં આવી પહોંચેલા અમેરિકાના એરક્રાફ્ટ ‘કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ 3’ (CSG-3)માં એક એકથી ચઢિયાતા જહાજો, હથિયારો અને મિસાઈલો તૈનાત છે.

– ૧ લાખ ટનથી વધુ વજન ધરાવતું પરમાણુ યુદ્ધજહાજ ‘યુએસએસ અબ્રાહમ લિંકન’

– ડિસ્ટ્રોયર અને ક્રુઝર જહાજો

– ન્યુક્લીઅર સબમરીનો

– 75–90 એરક્રાફ્ટ (વિવિધ પ્રકારના વિમાન અને હેલિકોપ્ટર)

– F/A-18 Super Hornet (મલ્ટિરોલ ફાઇટર વિમાન)

– F-35C Lightning II (પાંચમી પેઢીનું સ્ટીલ્ધ વિમાન)

– EA-18G Growler (ઇલેક્ટ્રોનિક વોરફેર એરક્રાફ્ટ)

– E-2D Advanced Hawkeye (એરબોર્ન અર્લી વોર્નિંગ એરક્રાફ્ટ) 

– સહાયક જહાજો

– Tomahawk ક્રુઝ મિસાઈલો

– 2 × Mk 29 Sea Sparrow મિસાઇલ લોન્ચર્સ

– 2 × RIM-116 Rolling Airframe Missile સિસ્ટમ્સ 

– 2-4 × Phalanx CIWS (ક્લોઝ-ઇન વેપન સિસ્ટમ)



Source link

Related Articles

Back to top button