दुनिया

પેટ્રોલ-ડીઝલના જથ્થાને લઈને ફરી ખતરાની ઘંટડી! નવા સંશોધનોએ દુનિયાનું ટેન્શન વધાર્યું | ian us war impact global oil reserve in crisis by west asia disruptions



Ian-US War Impact on Global Oil Reserve: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ તેમજ હોર્મુઝની નાકાબંધીના કારણે સમગ્ર વિશ્વમાં તેલ સંકટ સતત વધી રહ્યું છે. આ વૈશ્વિક કટોકટીના કારણે ખાસ કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા નાના દેશોએ ઉર્જા ક્ષેત્રે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે તેલની સપ્લાયને લઈને સામે આવેલા એક તાજેતરના અહેવાલે વિશ્વ માટે ખતરાની મોટી ઘંટડી વગાડી દીધી છે. આ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો વર્તમાન પરિસ્થિતિ લાંબો સમય સુધી આવી જ રીતે યથાવત રહેશે, તો આગામી દિવસોમાં તેલના સપ્લાયને લઈને સમગ્ર દુનિયા નવા જોખમમાં મૂકાઈ શકે છે. 

એએનઝેડ રિસર્ચના તાજેતરના ગ્લોબલ ઓઈલ માર્કેટ ટ્રેકરના અહેવાલ પ્રમાણે ફારસની ખાડીમાંથી તેલના સપ્લાયમાં સતત આવી રહેલી અડચણોને કારણે આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલનો સ્ટોક ચિંતાજનક રીતે તળિયે પહોંચી શકે છે અને વિશ્વભરમાં ઈંધણની ભારે તંગી સર્જાવાની આશંકા છે.

જો સપ્લાયમાં ઘટાડો થશે તો ઈંધણનું સંકટ વધી જશે, જેના કારણે વિશ્વભરમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી શકે છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, લાંબા સમય સુધી સપ્લાયમાં રહેનારી આ તંગી વૈશ્વિક સ્ટોકમાં સતત ઘટાડો કરી રહી છે; બીજી તરફ બજારમાં ક્રૂડ ઓઇલની માગ સતત મજબૂત બનેલી છે. આ અસંતુલનને કારણે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ભારે અસ્થિરતા અને અનિશ્ચિતતાનો ખતરો વધી રહ્યો છે.

માત્ર 20 દિવસનું રહેશે રિઝર્વ

ANZના અનુમાન પ્રમાણે જો ફારસની ખાડીમાંથી થતા ક્રૂડ ઓઈલના સપ્લાયમાં દૈનિક લગભગ 10.5 મિલિયન બેરલનું નુકસાન આ જ રીતે ચાલુ રહેશે, તો વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભંડારમાં સતત ઘટાડો નોંધાતો રહેશે. આ સ્થિતિને જોતાં આગામી સપ્ટેમ્બર 2026 સુધીમાં ઓઈલ રિઝર્વ તેના સૌથી નીચલા સ્તરે પહોંચી શકે છે.

આ સાથે જ ઓઈલ ઉત્પાદનોનો રિઝર્વ સ્ટોક તેનાથી પણ વહેલા, સંભવતઃ ઓગસ્ટ મહિના સુધીમાં જ અત્યંત ગંભીર સ્તરે પહોંચી શકે છે. આ સ્થિતિના કારણે બજારમાં માત્ર 20 દિવસ ચાલે તેટલો જ રિઝર્વ સ્ટોક બચશે.

મિડલ ઈસ્ટથી તેલ સપ્લાયમાં મોટો ઘટાડો

હોર્મુઝ બંધ હોવાના કારણે ઓઈલ રિઝર્વમાં મોટો ઘટાડો નોંધાયો છે. રિપોર્ટ પ્રમાણે હાલ મિડલ ઈસ્ટમાંથી ક્રૂડ ઓઈલના સપ્લાયમાં આવેલા ધરખમ ઘટાડા પર ફોકસ પણ કરવામાં આવી રહ્યું છે. તેમાં મે મહિના દરમિયાન દૈનિક આશરે 6.8 મિલિયન બેરલનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત રાતા સમુદ્રના માર્ગે થતા સાઉદી અરેબિયાના નિકાસમાં પણ ઘટાડો થયો છે, જેને પગલે બજારમાં ઉપલબ્ધ સપ્લાય અંગેની ચિંતાઓ વધી છે.

ANZએ જણાવ્યું કે, ફારસની ખાડીમાં અવરોધના કારણે પાઈપલાઈનના માર્ગ પરિવર્તન અને ઈમરજન્સી સ્ટોકમાંથી તેલ ઉપાડવાની બાબતોને ધ્યાનમાં રાખતા લગભગ 9.1 મિલિયન બેરલ પ્રતિ દિન શુદ્ધ ઓઈલનું નુકસાન થયું છે. 

સપ્લાયમાં ઝટકો

રિપોર્ટમાં ફિઝિકલ માર્કેટપરનું દબાણ હળવું કરવામાં ચીનની ભૂમિકા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ વૈશ્વિક તણાવ શરૂ થયો તે પહેલાં ચીનની ક્રૂડ ઓઈલની આયાત દૈનિક લગભગ 12.5 મિલિયન બેરલ હતી, જે હવે ઘટીને દૈનિક લગભગ 2.5 મિલિયન બેરલ જેટલી જ રહી ગઈ છે.

આ કારણોસર ફેબ્રુઆરીના અંતથી લઈને અત્યાર સુધીમાં 60 મિલિયન બેરલથી વધુ ક્રૂડ ઓઈલની બચત થઈ છે, જેનાથી વૈશ્વિક સપ્લાયમાં સર્જાયેલી અડચણોને અમુક અંશે ઓછી કરવામાં મદદ મળી છે.

આ પણ વાંચો: ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ માટે સૌથી મોટો ખતરો સાબિત થશે અલ નીનો!

ANZના જણાવ્યા પ્રમાણે નબળી મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ, ઈલેક્ટ્રિક વ્હીકલ્સને અપનાવવામાં વધારો, ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં ઘટાડો અને ધીમી રિફાઈનિંગ પ્રક્રિયાના કારણે ગત મહિને ચીનમાં તેલની માગમાં દૈનિક આશરે 1 મિલિયન બેરલનો ઘટાડો નોંધાયો હોવાની સંભાવના છે. જોકે, બેંકે ચેતવણી આપી છે કે આ સ્થિતિ કાયમી સાબિત નહીં થાય. આગામી સમયમાં ટ્રાન્સપોર્ટેશન અને ટેકનોલોજી ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં સુધારો થતાં જ ચીનની આયાતમાં ફરી મોટો ઉછાળો આવી શકે છે, જેના લીધે વૈશ્વિક બજારમાં તેલની તંગી વધુ ગંભીર બની શકે છે.



Source link

Related Articles

Back to top button