3 વર્ષ કોમામાં રહ્યા બાદ થાઈલેન્ડની લોકપ્રિય રાજકુમારીનું નિધન, 5 પુત્રો હોવા છતાં ઉત્તરાધિકારી મુદ્દે અસમંજસ | thailand princess bajrakitiyabha passes away after three years in coma

![]()
Thailand Princess Dies: થાઇલેન્ડના રાજપરિવારમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી કોમામાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા થાઇલેન્ડના પ્રિન્સેસ બજ્રકિતીયાભાનું અવસાન થયું છે. થાઇલેન્ડના રોયલ હાઉસહોલ્ડ દ્વારા શુક્રવારે સવારે સત્તાવાર રીતે આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. તેઓ 47 વર્ષના હતા. પ્રિન્સેસના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
રાજમહેલ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, “તબીબોની ટીમ દ્વારા તેમને શક્ય એટલી શ્રેષ્ઠ અને સઘન સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ તેમની તબિયતમાં સતત બગાડ થતો રહ્યો હતો.” ગુરુવારે સ્થાનિક સમય અનુસાર રાત્રે 19:48 કલાકે (બેંગકોકના સમય અનુસાર) બેંગકોકની ચુલાલોંગકોર્ન હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
વર્ષ 2022માં કૂતરાઓને ફેરવતી વખતે અચાનક ઢળી પડ્યા હતા
પ્રિન્સેસ બજ્રકિતીયાભા ડિસેમ્બર 2022માં પોતાના પાલતુ કૂતરાઓને વોક કરાવી રહ્યા હતા, તે દરમિયાન તેઓ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, તેમના હૃદયમાં માયકોપ્લાઝમા ઇન્ફેક્શનને કારણે હૃદયના ધબકારા અત્યંત અનિયમિત થઈ ગયા હતા, જેના લીધે તેઓ કોમામાં સરી પડ્યા હતા. ત્યારથી તેઓ સતત હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા.
શિક્ષિત વકીલ અને સંયુક્ત રાષ્ટ્રમાં આપી ચૂક્યા હતા સેવા
પ્રિન્સેસ બજ્રકિતીયાભા થાઇલેન્ડના રાજા વજિરાલોંગકોર્નના સાત સંતાનોમાં સૌથી મોટા પુત્રી હતા. તેમનો જન્મ 7 ડિસેમ્બર 1978ના રોજ રાજાના પ્રથમ પત્ની અને તેમના પિતરાઈ બહેન પ્રિન્સેસ સોમસાવાલીના ઘરે થયો હતો.
તેઓ એક અત્યંત શિક્ષિત અને કુશળ વકીલ હતા. તેમણે અમેરિકાની પ્રતિષ્ઠિત કોર્નલ યુનિવર્સિટીમાંથી કાયદાના વિષયમાં બે પોસ્ટ-ગ્રેજ્યુએટ ડીગ્રી મેળવી હતી. તેમણે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં થાઇલેન્ડના મિશનમાં પણ થોડો સમય કામ કર્યું હતું. ત્યારબાદ તેઓ થાઇલેન્ડ પરત ફર્યા અને બેંગકોક તેમજ દેશના અન્ય ભાગોમાં એટર્ની-જનરલની ઓફિસમાં પોતાની સેવાઓ આપી હતી.
જેલ સુધારણા અને મહિલા કેદીઓ માટે અવાજ ઉઠાવ્યો
વર્ષ 2012થી 2014 દરમિયાન તેઓ ઓસ્ટ્રિયામાં થાઇલેન્ડના રાજદૂત તરીકે નિયુક્ત થયા હતા, જ્યાં તેમણે ‘યુએન ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ’ સાથે મજબૂત સંબંધો બનાવ્યા હતા.
થાઇલેન્ડ પરત આવ્યા બાદ તેઓ દક્ષિણ-પૂર્વ એશિયા માટે UNODCના ગુડવિલ એમ્બેસેડર બન્યા હતા. તેમણે થાઇલેન્ડની ગુનાહિત ન્યાય પ્રણાલી અને જેલ સુધારણા માટે મોટો અવાજ ઉઠાવ્યો હતો, ખાસ કરીને એવી અસહાય મહિલાઓ માટે જે જેલમાં બંધ હતી. અત્રે નોંધનીય છે કે વિશ્વમાં સૌથી વધુ મહિલા કેદીઓની સંખ્યા ધરાવતા દેશોમાં થાઇલેન્ડ પણ સામેલ છે. વર્ષ 2021માં તેમના પિતાએ તેમને પોતાના પર્સનલ બોડીગાર્ડના ચીફ ઓફ સ્ટાફ બનાવ્યા હતા અને જનરલનો રેન્ક આપ્યો હતો. પ્રિન્સેસ ફિટનેસના પણ ખૂબ શોખીન હતા અને મેરેથોન્સમાં પણ ભાગ લેતા હતા.
થાઇલેન્ડના ઉત્તરાધિકાર પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન
પ્રિન્સેસ બજ્રકિતીયાભાના નિધનથી થાઇલેન્ડના રાજપરિવારે તેનો સૌથી કુશળ, લોકપ્રિય અને સક્ષમ સભ્ય ગુમાવ્યો છે. રાજાના ઉત્તરાધિકારી તરીકે તેઓ સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા.
થાઇલેન્ડના 73 વર્ષીય રાજા વજિરાલોંગકોર્ને હજુ સુધી પોતાના સત્તાવાર વારસદારની જાહેરાત કરી નથી. જોકે થાઇલેન્ડની પરંપરા અનુસાર કોઈ પુરૂષ જ ગાદી પર બેસી શકે છે, પરંતુ વર્ષ 1974ના બંધારણીય સુધારા મુજબ મહિલાને પણ શાસન સંભાળવાની મંજૂરી આપવામાં આવી છે. રાજાને પાંચ પુત્રો છે, પરંતુ બીજી પત્નીથી થયેલા ચાર પુત્રોને તેમણે 1996માં પરિવારમાંથી બેદખલ કરી દીધા હતા, જેઓ હાલ અમેરિકામાં રહે છે. ત્રીજી પત્નીથી થયેલો પાંચમો પુત્ર પ્રિન્સ દિપાંગકોર્ન હાલ સંભવિત વારસદાર છે, પરંતુ રાજાશાહીના પ્રભાવવાળા આ દેશમાં દેશ ચલાવવાની તેમની ક્ષમતા પર સવાલો ઉઠતા રહ્યા છે.
આવી સ્થિતિમાં મોટાભાગના શાહી સમર્થકો પ્રિન્સેસ બજ્રકિતીયાભાને ભવિષ્યની રાણી તરીકે અથવા પ્રિન્સ દિપાંગકોર્નની સહાયક તરીકે જોતા હતા. તેમના અકાળ અવસાનથી થાઇલેન્ડમાં સત્તાના આગામી વારસદારનો પ્રશ્ન વધુ ગૂંચવાયો છે. જોકે, થાઇલેન્ડના કડક ‘લેસે મેજેસ્ટે’ (રાજપરિવારની નિંદા વિરોધી કાયદો)ના કારણે ત્યાં આ વિષય પર જાહેરમાં કોઈ ચર્ચા થઈ શકતી નથી.



