વડોદરા દુષ્કર્મ કેસ: મુખ્ય આરોપી અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ નિષ્ફળ, બે કલાકની મહેનત છતાં તબીબો સ્પર્મનો નમૂનો ન લઈ શક્યા
વડોદરા: વડોદરાના હાઇપ્રોફાઇલ ગોત્રી દુષ્કર્મ કેસ માં મુખ્ય આરોપી અશોક જૈન ની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદમાં તેના વિવિધ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન અશોક જૈનનો પોટેન્સી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, વડોદરાના તબીબી બે કલાકની મહેનત છતાં અશોક જૈનના સ્પર્સના નમૂના લઈ શક્યા ન હતા. વડોદરા ખાતે પોટેન્સી ટેસ્ટ નિષ્ફળ રહ્યા બાદ હવે અશોક જૈનને ટેસ્ટ માટે અમદાવાદ ખાતે લઈ જવામાં આવશે. બીજી માટે DNA માટે જરૂરી લોહીના નમૂના લઈ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગોત્રી હૉસ્પિટલ હવે વધુ બ્લડ ટેસ્ટ કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે.
…ફરી વડોદરા આવ્યો અને ઝડપાયો
હરિયાણાની યુવતી પર બળાત્કારના કેસમાં મુખ્ય આરોપી ફરિયાદ નોંધાયાના દિવસથી ફરાર થઈ ગયો હતો. અશોક જૈન 19 દિવસ બાદ બે દિવસ પહેલા પાલીતાણા ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડના બે દિવસ પહેલા જ તે વડોદરા આવ્યો હતો. આ દરમિયાન પોલીસ તપાસમાં સીસીટીવી કેમેરામાં અશોક જૈન જોવા મળ્યો હતો. શહેરમાં અશોક જૈનની હાજરીને પગલે પોલીસ ખાનગી રાહે તપાસમાં લાગી હતી. જોકે, પોલીસ ધરપકડ કરે તે પહેલા જ તે ફરીથી ફરાર થઈ ગયો હતો. જે બાદમાં પોલીસે તેમના પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરી હતી. જે બાદમાં પોલીસને અશોક જૈન પાલીતાણા તરફ ગયાની ટીપ મળી હતી. ટીપને આધારે પોલીસ પાલીતાણામાં ગોઠવાઈ ગઈ હતી. પોલીસને મળેલી બાતમીને પ્રમાણે જ અશોક જૈન ત્યાંથી જ મળી આવ્યો હતો.
એવી પણ માહિતી મળી છે કે અશોક જૈન પોલીસના હાથે ઝડપાઈ ન જવાય તેના ડરે નાણાણી લેવડ દેવડ માટે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતો ન હતો. તે રોકડ વ્યવહાર જ કરતો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અશોક જૈન ભાગ્યો ત્યારે તે સાથે પાંચ લાખ રૂપિયાની રોકડ લઈ ગયો હતો. આ કેસમાં અન્ય એક આરોપી રાજુ ભટ્ટ અને તેને ભાગવામાં મદદ કરનાર કાનજી મોકરિયાની પહેલા જ ધરપકડ થઈ ચૂકી છે.
ફક્ત ભત્રીજાના સંપર્કમાં હતો
આ મામલે પોલીસે માહિતી આપતા કહ્યુ હતું કે, ફરાર થઈ ગયા બાદ અશોક જૈન ફક્ત તેના ભત્રીજાના સંપર્કમાં હતો. જોકે, તે પોતાના ફોનમાથી નહીં પરંતુ અન્ય કોઈ વ્યક્તિના ફોનમાંથી તેના ભત્રીજાને ફોન કરતો હતો, જેનાથી પોલીસની પકડમાંથી બચી શકાય. પોલીસે એવી પણ જાણકારી આપી હતી કે અશોક જૈનની ધરપકડ માટે તેના છેલ્લા એક વર્ષની કૉલ ડિટેલ તપાસવામાં આવી હતી.
રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો હતો
28 સપ્ટેમ્બરના રોજ આ કેસનો આરોપી અને પાવાગઢના મંદિરનો પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો હતો. જે બાદ 30મી સપ્ટેમ્બરના રોજ તેને કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. જ્યાં પોલીસે રાજુ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે, કોર્ટે રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે કોર્ટેમાં વધુ રિમાન્ડ માટે માગણી કરતાં કોર્ટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.
શું છે આખો મામલો?
વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથક માં 19 સપ્ટેમ્બરના રોજ શહેર નજીકની ખાનગી યુનિવર્સીટીમાં એલ.એલ.બી.નો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિર ટ્રસ્ટ મંડળમાંથી હાંકી કઢાયેલા રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદથી જ અશોક જૈન ફરાર હતો. દરમિયાન આ દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનના વકીલ હિતેષ ગુપ્તા (Hitesh Gupta) દ્વારા વડોદરાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી.