છોટા ઉદેપુર: ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું, વાહનવ્યવહાર ઠપ | Heavy Rain Washes Away Diversion on Bodeli Halol Road Traffic Comes to a Halt

![]()
Heavy Rain Washes Away Diversion on Bodeli-Halol Road: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી વિસ્તાર સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે બોડેલી-હાલોલ રોડ પર આવેલું એક મહત્ત્વનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. પંચમહાલ જિલ્લાના ખાખરિયા ગામ નજીકનું આ ડાયવર્ઝન પાણીના ભારે પ્રવાહમાં વહી જતાં બોડેલી-હાલોલ માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે રસ્તાની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી છે અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.
પુલનું કામ ચાલુ હોવાથી આપ્યું હતું ડાયવર્ઝન
મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના ખાખરિયા ગામમાંથી પસાર થતાં એક કોતર પર હાલ નવા પુલનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે. પુલની કામગીરી ચાલુ હોવાને કારણે વાહનોની અવરજવર માટે તંત્ર દ્વારા બાજુમાંથી એક વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. વિસ્તારમાં થયેલા ભારે વરસાદને પગલે આ કોતરમાં અચાનક પાણીની ભારે આવક થઈ હતી. કોતર ઓવરફ્લો થતાં અને પાણીનો પ્રવાહ તેજ હોવાના કારણે માટી અને પથ્થરોથી બનાવેલું આ હંગામી ડાયવર્ઝન ક્ષણભરમાં જ ધોવાઈ ગયું હતું. ડાયવર્ઝનનો મોટો હિસ્સો વહી જતાં વાહનો પસાર થઈ શકે તેમ ન હોવાથી આ હાઇવેને તાત્કાલિક અસરથી બંધ કરવો પડ્યો છે.
વાહનચાલકો અટવાયા, ટ્રાફિક જામના દૃશ્યો
બોડેલી અને હાલોલને જોડતો આ મુખ્ય માર્ગ હોવાથી અહીં ચોવીસ કલાક નાના-મોટા વાહનોની ભારે અવરજવર રહે છે. ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે રોડ બંધ થતાં જ બંને તરફથી આવતા અનેક વાહનો રસ્તા પર જ થંભી ગયા છે. કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકો અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
