दुनिया

શું છે કાળો વરસાદ? યુક્રેનના ભીષણ હુમલા બાદ રશિયાના લોકોમાં ફફડાટ! | Moscow Black Rain Toxic Oil Residue Coats Russian Capital After Ukrainian Drone Strike



Moscow Black Rain: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક અત્યંત ભયાનક અને વિનાશક તબક્કામાં પહોંચી ગયું છે. યુક્રેન દ્વારા કરવામાં આવેલા અત્યાર સુધીના સૌથી મોટા ડ્રોન હુમલાએ રશિયાની રાજધાની મોસ્કોને હચમચાવી દીધી છે. આ હુમલાના કારણે મોસ્કોમાં લાગેલી ભીષણ આગને પગલે આકાશમાંથી ‘કાળો વરસાદ’ (Black Rain) થવાની એક અત્યંત ડરામણી અને અજીબોગરીબ ઘટના સામે આવી છે, જેણે વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદોને ચિંતામાં મૂકી દીધા છે.

મોસ્કોની લાઇફલાઇન ગણાતી કપોત્ન્યા ઓઇલ રિફાઇનરી બની મુખ્ય નિશાન

આ ઐતિહાસિક ડ્રોન હુમલાનું મુખ્ય લક્ષ્ય મોસ્કોના દક્ષિણ-પૂર્વી છેડે આવેલી કપોત્ન્યા ઓઇલ રિફાઇનરી (Kapotnya Oil Refinery) હતી. આ રિફાઇનરી મોસ્કોની કુલ પેટ્રોલ વપરાશનો આશરે 40% અને ડીઝલનો અડધો પુરવઠો પૂરો પાડે છે. યુક્રેનના નવા હાઇબ્રિડ ‘Bars’ ડ્રોન-ક્રૂઝ મિસાઇલોએ આ રિફાઇનરીના વિશાળ ઓઇલ સ્ટોરેજ ટેન્ક પર સચોટ નિશાન સાધ્યું હતું. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઓઇલ ટેન્કની છત હવામાં ડઝન મીટર ઊંચે ઊડી ગઈ હતી અને આકાશમાં કેટલાય કિલોમીટર ઊંચા કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. આ ભીષણ આગને કારણે મોસ્કોના ઘણા ઍરપૉર્ટ બંધ કરવા પડ્યા હતા અને સેંકડો ફ્લાઇટ્સ રદ થઈ ગઈ હતી.

આકાશમાંથી વરસી મુસીબત: વાહનો અને કપડાં પર જામી કાળી ઓઇલની પરત

હુમલાના ગણતરીના કલાકોમાં જ રિફાઇનરીથી ઘણા કિલોમીટર દૂર આવેલા બાલાશીખા અને દક્ષિણ-પૂર્વી ઉપનગરોના લોકો આશ્ચર્ય અને ભયમાં મૂકાયા હતા. આકાશમાંથી સામાન્ય પાણીને બદલે કાળા રંગના ચીકણા ઓઇલના ટીપા અને કાળી કાળી કાળખ વરસી રહી હતી. સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયા પર શેર કરેલા વાઇરલ વીડિયો અને તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકોના ઘરની બારીઓ, રસ્તાઓ અને વાહનોની છત પર ઓઇલની કાળી પરત જામી ગઈ હતી. બહાર નીકળેલા લોકોના કપડાં પણ આ તૈલી વરસાદથી બગડી ગયા હતા.

પ્રશાસનનો શરૂઆતમાં ઇન્કાર, બાદમાં જાહેર કરી ઇમરજન્સી ઍડવાઇઝરી 

સોશિયલ મીડિયા પર પુષ્કળ વિઝ્યુઅલ પુરાવા હોવા છતાં, સ્થાનિક મ્યુનિસિપલ સત્તાવાળાઓએ શરૂઆતમાં પરિસ્થિતિને દબાવવાનો પ્રયાસ કર્યો અને આવી કોઈ ‘ઓઇલ રેન’ થયો હોવાનો ઇન્કાર કર્યો હતો. જોકે, પાછળથી જોખમ વધતાં મોસ્કોના સત્તાવાર ટેલિગ્રામ ચેનલ પર કટોકટીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. પ્રશાસને લોકોને પોતાના ઘરની બારીઓ ચુસ્તપણે બંધ રાખવાની સલાહ આપી છે જેથી ઝેરી ધુમાડો શ્વાસમાં ન જાય. આ ઉપરાંત, બાળકો, વડીલો અને અસ્થમાના દર્દીઓને તે પ્રદૂષિત વિસ્તાર છોડીને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ જતા રહેવા માટે જણાવાયું છે.

‘કાળા વરસાદ’ પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે?

વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ ઘટના કોઈ કુદરતી પ્રકોપ નથી, પરંતુ એક ઔદ્યોગિક હોનારત અને પ્રતિકૂળ હવામાનનું પરિણામ છે. રિફાઇનરીના ઓઇલ ટેન્કોમાં લાગેલી ભીષણ આગ દરમિયાન ઓક્સિજનની અછત સર્જાઈ હતી, જેના કારણે ઓઇલનું સંપૂર્ણ દહન થઈ શક્યું નહીં. આ અધૂરા દહનને લીધે બળ્યા વગરનો કાર્બન અત્યંત બારીક કણો (કાળખ) સ્વરૂપે હવામાં ફેલાઈ ગયા. 

આગના પ્રચંડ તાપમાનને લીધે સર્જાયેલા ‘થર્મલ અપડ્રાફ્ટ'(ગરમ હવાનો ઉપર તરફનો પ્રવાહ)ના કારણે આ કાર્બન કણો અને વરાળ બનેલા ક્રૂડ ઓઇલના સૂક્ષ્મ ટીપાં ખૂબ જ ઝડપથી વાતાવરણમાં ઊંચે પહોંચ્યા. ત્યાં ઠંડીના સંપર્કમાં આવતા આ કણોએ ‘કન્ડેન્સેશન ન્યુક્લિઆઈ’ તરીકે કામ કર્યું અને હવામાં રહેલો ભેજ તેમની આસપાસ જમા થવા લાગ્યો. જ્યારે આ તૈલી અને કાર્બનયુક્ત ટીપાં હવામાં તરવા માટે વધુ ભારે થઈ ગયા, ત્યારે ગુરુત્વાકર્ષણને કારણે તે નીચે પડવા લાગ્યા. આ જ સમયે વિસ્તારમાં થઈ રહેલી હળવા છાંટા પાડવાના લીધે કુદરતી વરસાદના પાણી સાથે આ હાઇડ્રોકાર્બન ભળી ગયા અને જમીન પર ‘કાળા વરસાદ’ તરીકે ખાબક્યા.

આ પણ વાંચો: ઈરાન અંગે 7 વર્ષ અગાઉની એક પોસ્ટથી ટ્રમ્પ ફરી ઘેરાયા, G7 સમિટમાં બોલતી બંધ થઈ!

માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર ગંભીર અસરો

આ ઓઇલયુક્ત વરસાદ પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે:

શ્વાસ અને હૃદયની ગંભીર બીમારીઓ: હવામાં ભળેલા કાળા ધુમાડાના અતિ સૂક્ષ્મ કણો શ્વાસ દ્વારા ફેફસાંમાં ઊંડે સુધી પહોંચી જાય છે. આના કારણે અસ્થમા(દમ), શ્વાસની નળીમાં સોજો(બ્રોન્કાઇટિસ) અને હૃદયની બીમારી ધરાવતા દર્દીઓ માટે અચાનક જીવનું જોખમ ઊભું થઈ શકે છે.

ત્વચા અને વાળને નુકસાન: આ વરસાદના પાણીમાં કેન્સર પેદા કરી શકે તેવા હાનિકારક રાસાયણિક સંયોજનો(જેમ કે પોલીસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન) હોઈ શકે છે, જે ત્વચા પર એલર્જી, બળતરા અને વાળ ખરવાની સમસ્યા સર્જે છે.

જમીન અને જળ પ્રદૂષણ: આ કાળું ઓઇલ જ્યારે વહીને સ્થાનિક જળાશયોમાં જશે અથવા જમીનમાં ઉતરશે, ત્યારે તે પીવાના પાણીના સ્ત્રોતોને દૂષિત કરશે અને જમીનની ફળદ્રુપતાને ભારે નુકસાન પહોંચાડશે.

મોસ્કોની આ ઘટના એ વાતનો પુરાવો છે કે આધુનિક યુદ્ધો માત્ર સરહદ પર લડતા સૈનિકો પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ તેના ભયાનક પર્યાવરણીય પરિણામો સામાન્ય નાગરિકોના ઘરના દરવાજા સુધી પહોંચી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button