અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીના રાજીનામા, નાની-મોટી નોકરીઓ શોધી લીધી | Ahmedabad Municipal Corporation Faces Fresh Wave of Resignations by 20 Employees

![]()
AMC Employees Resignation: અમદાવાદ મ્યુનિસિપલમાં કર્મચારીઓના રાજીનામા પડવાનો સિલસિલો યથાવત્ છે. હજી એકાદ મહિના પહેલાં જ કેટલાક કર્મીઓએ રાજીનામા ધરી દીધા હતા. તેવામાં હવે સહાયક જુનિયર ક્લાર્ક, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર, સહાયક સબ ઇન્સ્પેક્ટર સહિત વધુ 20 કર્મીઓએ રાજીનામા આપી દીધા હોવાનું સામે આવ્યું છે.
સહાયક જુનિયર ક્લાર્ક, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર સહિતના કર્મીઓએ નોકરી શોધી લીધી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગત મહિને ક્લાર્કથી લઈને ટેકનિકલ આસિસ્ટન્ટ સહિતના કર્મીઓએ રાજીનામા આપી દીધા હતા. તેવામાં હવે શારદાબહેન અને એલજી હોસ્પિટલ, સેન્ટ્રલ ઓફિસ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એસ્ટેટ સહિત મ્યુનિસિપલના વિવિધ વિભાગો અને પ્રોજેક્ટના 13 સહાયક જુનિયર ક્લાર્ક, પાંચ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર, સહાયક સબ ઇન્સ્પેક્ટર અને સહાયક ફિમેલ હેલ્થ વર્કર સહિત કુલ 20 કર્મીઓએ રાજીનામા ધરી દીધા છે.
જેમાંથી મોટા ભાગના કર્મીઓની હજી એક-બે વર્ષ પહેલાં જ નિમણૂક કરવામાં આવી હતી. મેટ્રો સિટીની મહાનગરપાલિકામાં નોકરી છોડી કેટલાક કર્મીઓ ભાવનગર, જામનગર મ્યુમ્યુનિસિપલ કોર્પોરેશનમાં જતા રહ્યા છે. જ્યારે કેટલાક કર્મીઓએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે, તો કેટલાકે જેટકો, એમજીવીસીએલ, રાજ્ય કૃષિ યુનિવર્સિટી સહિતના જુદા જુદા વિભાગોમાં નાની-મોટી નોકરી શોધી લીધી છે.



