ભરૃચ ભાજપની જેમ વડોદરા જિલ્લા ભાજપમાં પણ ઉકળાટ,એક હોદ્દેદારના વર્તનથી કાર્યકરો નારાજ | Like Bharuch BJP there is also tension in Vadodara district BJP

![]()
વડોદરાઃ ભરૃચમાં ભાજપની આંતરિક જૂથબંધી ખુલ્લી પડયા બાદ વડોદરામાં પણ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેનો ગજગ્રાહ આગામી દિવસોમાં વધે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે.
વડોદરા જિલ્લા ભાજપમાં સંગઠનના એક હોદ્દેદારની વર્તણૂક કાર્યકરોમાં ચર્ચાનો વિષય બની છે.પોતે સંસદ સભ્યના ઉમેદવાર થવાને લાયક છે,નરેન્દ્ર મોદીની એપોઇન્ટમેન્ટ માગી છે,કાર્યક્રમમાં કોણ હાજર રહેશે તે અમે નક્કી કરીશું..જેવા મુદ્દાને કારણે સંગઠનના હોદ્દેદાર ચર્ચામાં આવ્યા છે.
ભરૃચમાં જે રીતે ધારાસભ્ય અને સંસદ સભ્ય ખુલ્લેઆમ જિલ્લા પ્રમુખની કાર્યપધ્ધતિ સામે વિરોધમાં આવી ગયા તે રીતે વડોદરા જિલ્લામાં ઉકળાટ બહાર ના આવે તે માટે મોવડીઓ સક્રિય થયા હોવાની પણ માહિતી મળી છે.
બીજીતરફ તાજેતરમાં ચૂંટાયેલા નગર પાલિકા,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોને ભાજપના આગેવાનો કેવી રીતે કામ કરવું તેના પ્રશિક્ષણની સાથે સાથે ડેમેજ કંટ્રોલના ભાગરૃપે શિસ્તના પણ પાઠ ભણાવવાની તૈયારી કરી રહ્યા છે.
ભાજપની ભાંજગડ બહાર ન આવે તે માટે સહકારી સંસ્થાની ચૂંટણીઓ પર બ્રેક
વડોદરા જિલ્લા ભાજપમાં બળવો ના થાય કે ભાજપનો આંતરિક કલહ બહાર ન આવે તે હેતુથી ચાર એપીએમસી,બરોડા ડેરી, વડોદરા જિલ્લા ખરીદવેચાણ સંઘ,બરોડા સેન્ટ્રલ બેન્ક જેવી સંસ્થાઓના પ્રમુખ-ઉપ પ્રમુખ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી પાછી ઠેલવામાં આવી રહી હોવાની ચર્ચા કેન્દ્રમાં રહી છે.
વડોદરા જિલ્લા પંચાયતની સમિતિઓમાં અધ્યક્ષ પદ માટે ખેંચતાણ
વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપને જંગી બહુમતી મળ્યા બાદ પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિયુક્તિ કરી દેવામાં આવી છે.જ્યારે જુદીજુદી આઠ સમિતિઓની રચના આગામી તા.૧૮મીએ કરવામાં આવનાર છે.જેમાં મલાઇ સમિતિઓમાં સ્થાન મેળવવા અને ચેરમેન બનવા માટે અત્યારથી ખેંચતાણ થઇ રહી હોવાની ચર્ચાએ જોર પકડયું છે.


